સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર જૂન 2024માં બોઇંગના સ્ટારલાઇનર વિમાનમાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચ્યા હતા. 8 દિવસ માટે જ પહોંચેલા આ અવકાશયાત્રીઓ હજી પણ ત્યાં જ છે. તેઓ અવકાશમાં રહીને પણ નવા નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. ત્યારે અમેરિકન અવકાશ એજન્સી નાસાએ જણાવ્યું હતું કે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે નવો એક રેકોર્ડ બનાવ્યો છે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે ગુરુવારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) થી 5.5 કલાકની સ્પેસવોક કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો.
સૌથી વધુ સ્પેસવોક કરનાર અવકાશયાત્રી
મહત્વનું છે કે સુનિતા વિલિયમ્સે અગાઉ પણ સ્પેસ વૉક કરેલું છે. તેમનું અત્યાકે નવમું અને વિલ્મોરનું પાંચમું સ્પેસ વૉક હતું. આ સ્પેસ વોક સાથે ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સે હવે કુલ 62 કલાક અને 6 મિનિટની સ્પેસ વોકનો રેકોર્ડ નોંધાવ્યો છે. નાસાની સૌથી વધુ અવકાશયાત્રા કરનારા લોકોની યાદીમાં વિલિયમ્સ ચોથા ક્રમે છે.
અત્યારે અવકાશમાં જ છે સુનિતા વિલિયમ્સ
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અવકાશ મથકની પરિભ્રમણ પ્રયોગશાળામાં ફક્ત આઠ દિવસ વિતાવવાના હતા, પરંતુ તેમના અવકાશયાનમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે નાસાને તેની યોજનાઓ બદલવાની ફરજ પડી. યુએસ સ્પેસ એજન્સીએ ઓગસ્ટમાં જાહેરાત કરી હતી કે બોઇંગની હરીફ સ્પેસએક્સ ફેબ્રુઆરીમાં બંને અવકાશયાત્રીઓને ઘરે લાવશે. પરંતુ સ્પેસએક્સે તેમને પાછા લાવવામાં લાગતો સમય લંબાવ્યો અને કહ્યું કે તે મિશન માટે એક નવું અવકાશયાન બનાવી રહ્યા છે.
નાસાએ બુધવારે જણાવ્યું હતું કે તે બે અવકાશયાત્રીઓને પાછા લાવવા માટે અબજોપતિ એલોન મસ્કના સ્પેસએક્સ સાથે કામ કરી રહ્યું છે. બંને અવકાશયાત્રીઓને ક્રૂ 9 મિશન દ્વારા પૃથ્વી પર પાછા લાવવામાં આવશે અને આ સાથે બંને અવકાશયાત્રીઓ અવકાશમાં લગભગ 300 દિવસ પૂર્ણ કરશે.
શું હોય છે સ્પેસ વૉક?
જ્યારે કોઈ અવકાશયાત્રી પોતાના અવકાશયાનમાંથી બહાર નીકળે છે ત્યારે તેને સ્પેસ વૉક કહેવામાં આવે છે. અવકાશયાત્રીઓ અવકાશના શૂન્ય ગુરુત્વાકર્ષણમાં સ્પેસવૉક દરમિયાન તેમના સ્પેસક્રાફ્ટથી સાથે જોડાયેલા રહે છે. જો તેમને તેમના સ્પેસક્રાફ્ટથી દૂર જવાની જરૂર પડે, તો તેઓ રોબોટિક હથિયારોનો ઉપયોગ કરે છે. આ સમય દરમિયાન અવકાશયાત્રીઓ અવકાશ સ્ટેશનની બહાર આવે છે અને વિવિધ કાર્યો કરે છે જેમાં સમારકામ અને સાધનોનું પરીક્ષણ શામેલ છે.
સૌથી લાંબી અવકાશ યાત્રાનો રેકોર્ડ કોના નામે છે?
સૌથી લાંબુ સ્પેસ વૉક કરવાનો રેકોર્ડ James Voss અનેSusan Helmsના નામે છે. તેમણે 12 માર્ચ, 2021 ના રોજ 8 કલાક અને 56 મિનિટ સુધી અવકાશ યાત્રા કરી. આ વર્ષે અવકાશયાત્રીઓ દ્વારા કરવામાં આવેલી સ્પેસ વોક વિશે વાત કરીએ તો, 16 જાન્યુઆરીએ, નિક હેગ અને સુનિતા વિલિયમ્સે 6 કલાકની સ્પેસ વોક કરી હતી.
ગયા વર્ષે, ત્રણ સ્પેસવૉક કરવામાં આવ્યું હતું, જેમાંથી સૌથી લાંબી અવકાશયાત્રા એલેક્સી ઓવચિનિન અને ઇવાન વેગ્નર દ્વારા કરવામાં આવી હતી. બંને મુસાફરો 7 કલાક 17 મિનિટ સુધી બહાર અવકાશમાં રહ્યા.


