બીસીસીઆઇની ડોમેસ્ટિક ક્રિકેટ ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીનો દેશભરના વિવિધ વેન્યૂ ઉપર અંતિમ રાઉન્ડ રમાઈ રહ્યો છે. મુંબઇ, દિલ્હી, સૌરાષ્ટ્ર તથા કેરળની ટીમોએ ઇનિંગ્સથી વિજય મેળવ્યો છે. ગુજરાતે હિમાચલપ્રદેશને નવ વિકેટે હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મુંબઇની ટીમે મેઘાલયની ટીમ સામે એક ઇનિંગ અને 456 રનના જંગી માર્જિનથી વિજય મેળવ્યો હતો.
મેઘાલયે 86 તથા 129 રન નોંધાવ્યા હતા. તેની સામે મુંબઇની ટીમે સાત વિકેટે 671 રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. મેચમાં કુલ આઠ વિકેટ અને 84 રન બનાવનાર મુંબઇના શાર્દુલ ઠાકુરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. કેરળની ટીમે બિહાર સામે એક ઇનિંગ અને 169થી મેચ જીતી લીધી હતી. કેરળના 351 રનના જવાબમાં બિહાર 64 તથા 118ના સ્કોરે ઓલઆઉટ થયું હતું.રેલવેઝ સામે દિલ્હીની ટીમે પણ એક ઇનિંગ અને 19 રનથી વિજય મેળવ્યો હતો. રેલવેની ટીમ 241 તથા 114 રન નોંધાવી શકી હતી. દિલ્હીએ પ્રથમ દાવમાં 374 રન બનાવ્યા હતા. 12 વર્ષ બાદ રણજીમાં રમનાર કોહલીને દિલ્હી જીતી જતાં બીજા દાવમાં બેટિંગ કરવાની તક મળી નહોતી. રાજકોટમાં રમાયેલી ગ્રૂપ-ડીની મેચમાં સૌરાષ્ટ્રની ટીમે આસામને એક ઇનિંગ અને 144 રનથી હરાવ્યું હતું. સૌરાષ્ટ્રના 474 રનની સામે આસામની ટીમ 164 તથા 166 રન બનાવી શક્યું હતું. મેચમાં નવ વિકેટ ઝડપનાર ધર્મેન્દ્રસિંહ જાડેજાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. અમદાવાદના ગુજરાત કોલેજ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ગ્રૂપ-બીની મેચમાં ગુજરાતની ટીમે હિમાચલ પ્રદેશને નવ વિકેટે પરાજય આપ્યો હતો. ત્રીજા દિવસે મેચ જીતવા માટે ગુજરાતને 144 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે ઉર્વિલ પટેલ (25)ની વિકેટના ભોગે હાંસલ કરી લીધો હતો. ઓપનર આર્ય દેસાઈએ 69 તથા જયમીત પટેલે અણનમ 51 રનની ઇનિંગ રમી હતી. બંને દાવમાં અડધી સદી નોંધાવનાર ગુજરાતના જયમીતને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.


