અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા બાદ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમને એક ખાસ ભેટ આપી છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પને મળ્યા બાદ નેતન્યાહૂએ તેમને એક સોનાનું પેજર ભેટમાં આપ્યું. છે. પીએમ નેતન્યાહૂના કાર્યાલય દ્વારા આ પુષ્ટિ કરવામાં આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પને આ ગોલ્ડન પેજર ગિફ્ટ કરવામાં આવ્યું છે. આ ભેટ લેબનોનમાં હિઝબુલ્લાહ સામે ઇઝરાયલના ઓપરેશનનું પ્રતિક છે, જેમાં પેજર બ્લાસ્ટ દ્વારા ઘણા હિઝબુલ્લાહ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
લેબનોનમાં વિસ્ફોટ કેવી રીતે થયા?
મહત્વનું છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, લેબનોન અને સીરિયા વચ્ચેના સરહદી વિસ્તારોમાં પેજર્સમાં અનેક વિસ્ફોટ થયા હતા. લેબનીઝ રાજધાની બેરૂત અને દક્ષિણ લેબનોનના ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને પૂર્વીય બેકા ખીણમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થવા લાગ્યા. આ વિસ્તારોને હિઝબુલ્લાહનો ગઢ માનવામાં આવે છે. આ પછી લેબનોનમાં વોકી-ટોકી ઉપરાંત, સોલાર પેનલ અને હેન્ડહેલ્ડ રેડિયોમાં પણ વિસ્ફોટ થયા. બેરૂત સહિત લેબનોનના ઘણા શહેરોમાં ઘરોના સોલાર સિસ્ટમમાં વિસ્ફોટ થયા હતા.
હિઝબુલ્લાહ દ્વારા સંદેશાવ્યવહાર માટે ઉપયોગમાં લેવાતા પેજર્સમાં થયેલા વિસ્ફોટોમાં 3,000 થી વધુ લોકો ઘાયલ થયા હતા અને લગભગ 40 લોકો માર્યા ગયા હતા. ઘાયલોમાં હિઝબુલ્લાહ લડવૈયાઓ અને આરોગ્ય કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં ઈરાની રાજદૂત મોજતબા અમાની પણ ઘાયલ થયા હતા.
નેતન્યાહૂએ પેજર હુમલાઓને મંજૂરી આપી
નેતન્યાહૂએ પુષ્ટિ કરી હતી કે તેમણે સપ્ટેમ્બરમાં લેબનોન સ્થિત આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના લક્ષ્યો પર પેજર હુમલાને મંજૂરી આપી હતી, જેમાં લગભગ 40 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને 3,000 થી વધુ ઘાયલ થયા હતા.
પેજરનો ઉપયોગ કેમ ?
ઇઝરાયલ પર હમાસના હુમલા પછી હિઝબુલ્લાહના ટોચના નેતૃત્વએ તેના લડવૈયાઓને સંદેશાવ્યવહાર માટે મોબાઇલ કે ઇન્ટરનેટને બદલે પેજરનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. તેની પાછળનું કારણ એ હતું કે ઇઝરાયલી સેના અને મોસાદ હિઝબુલ્લાહ લડવૈયાઓના સ્થાન પર સતત નજર રાખતા હતા. પેજરની ખાસિયત એ છે કે તેનું લોકેશન ટ્રેક કરી શકાતું નથી.


