ગ્રીસના ઈન્સ્ટાગ્રામ આઈલેન્ડ તરીકે ઓળખાતો સેન્ટોરિન ટાપુ આ દિવસોમાં ભૂકંપના કારણે ગભરાટમાં છે. છેલ્લા બે અઠવાડિયાથી ગ્રીસનો સેન્ટોરિન ટાપુ ભૂકંપના કારણે સતત ધ્રૂજી રહ્યો છે. છેલ્લા બે અઠવાડિયામાં, પર્યટકોના પ્રિય સ્થળો પૈકીના એક એવા અંતાલ્યામાં 7,700 થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 આસપાસ ઘણી વખત માપવામાં આવી છે. આ સ્થિતિને જોતા આ વિસ્તારમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
ભૂકંપની અસરના કારણે સેન્ટોરિનનો જ્વાળામુખી એક્ટિવ થયો
ભૂકંપના કારણે અહીં આવેલા તમામ પ્રવાસીઓને આ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ઘણા વિસ્તારોમાંથી સ્થાનિક લોકોને પણ સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે. તે જ સમયે, આ ભૂકંપની અસર સેન્ટોરિનના જ્વાળામુખી પર પણ પડી છે. છેલ્લા બે અઠવાડિયાથી ટાપુ પર બની રહેલી આ ઘટનાએ લોકોને 1956ના ભયાનક ભૂકંપની યાદ અપાવી છે. સેન્ટોરિનમાં ભૂકંપની મોસમ 26 જાન્યુઆરી (રવિવાર)થી શરૂ થઈ હતી. ત્યારથી આ સુંદર ટાપુ પર સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. જેમાં મંગળવારે (4 ફેબ્રુઆરી) એક દિવસમાં સૌથી વધુ 1300 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાંથી કેટલાકની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 થી 5.0 સુધી માપવામાં આવી હતી. આઇલેન્ડ પર આટલી મોટી સંખ્યામાં ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ છે.
લોકોનું ટાપુ છોડીને ગ્રીસની મુખ્ય ભૂમિ તરફ સ્થળાંતર
ગ્રીસના વડા પ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસે અંતાલ્યાની સ્થિતિનો તાગ મેળવ્યો છે. તેમણે કહ્યું, “સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, લોકોએ શાંતિ જાળવવી જોઈએ.” સેન્ટોરિન ટાપુ પર આવેલા ભૂકંપની તીવ્રતાની સાથે તેની ફ્રિક્વન્સી પણ એટલી વધારે છે કે તેના કારણે હવે સેન્ટોરિનના જ્વાળામુખીમાં પણ તેજ ગતિવિધિ જોવા મળી રહી છે. સેટેલાઇટથી મળેલા રડાર ડેટાના આધારે થેસ્સાલોનિકીની એરિસ્ટોટલ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર માઇકલિસ ફૌમેલિસે કહ્યું છે કે અમે જ્વાળામુખીમાં કેટલાક ફેરફારો જોઈ રહ્યા છીએ. પહેલા તે શાંત હતું પરંતુ હવે તેમાં હલચલ જોવા મળી રહી છે. જો કે બહુ હલચલ જોવા મળી નથી. પરંતુ આગામી દિવસોમાં તેનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે. સેન્ટોરિનમાં ઇમરજન્સી જાહેર કરાઈ છે. જો કે હજુ સુધી કોઈ મોટું નુકસાન થયું નથી, પરંતુ ભૂકંપના સતત આંચકાથી સ્થાનિક લોકો ડરી ગયા છે અને તેમાંથી મોટી સંખ્યામાં લોકો ટાપુ છોડીને ગ્રીસની મુખ્ય ભૂમિ તરફ સ્થળાંતર કરી રહ્યા છે. ઘણા રહેવાસીઓ ચિંતિત છે કે જો ભૂકંપ ચાલુ રહેશે, તો ટાપુ પર રહેવું મુશ્કેલ બની શકે છે.


