તાઇવાનના તાઈચુંગ શહેરના શિન કોંગ મિત્સુકોશી ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે લગભગ 26 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી હતી. ફાયર બ્રિગ્રેડે આગ પર કાબુ મેળવીને સ્થિતી શાંત કરી હતી. આગના કારણે આખું ફૂડ કોર્ટ બળીને રાખ થયુ હતુ.
તાઇવાનમાં સિલેંડર બ્લાસ્ટઃ 4ના મોત, 26 લોકો ઘાયલ
વિસ્ફોટ તાઈચુંગ શહેરના શિન કોંગ મિત્સુકોશી ડિપાર્ટમેન્ટલ સ્ટોરના 12મા માળે આવેલા ફૂડ કોર્ટમાં થયો હતો. અહીં અચાનક ગેસ સિલિન્ડર ફાટ્યો, જેના કારણે આખું ફૂડ કોર્ટ બળીને રાખ થઈ ગયું. વિસ્ફોટની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ડિપાર્ટમેન્ટલ સ્ટોરની આસપાસની દુકાનોમાં પણ જોરદાર અવાજ સંભળાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. મકાઉના પ્રવાસન કાર્યાલયે જણાવ્યું હતું કે મૃતકોમાં મકાઉના બે લોકોનો સમાવેશ થાય છે, જ્યારે ત્રીજો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલ થનાર વ્યક્તિ પરિવારના સભ્યો સાથે મકાઉની મુલાકાતે આવ્યો હતો. આ ઘટનામાં ઘાયલ થયેલા અન્ય પાંચ લોકોની તાઈચુંગની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
વિસ્ફોટથી ઇમારતને નુકસાન થયું હતું
ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે સવારે 11 વાગ્યાની આસપાસ ઘટનાસ્થળે અનેક ફાયર ફાઇટરોને તૈનાત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ઇમારતના બહારના ભાગોને ભારે નુકસાન થયું હતું અને ઇમારતનો કાટમાળ શેરીઓમાં વિખરાયેલો જોવા મળ્યો હતો. આ ઘટનાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં હાજર લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગદોડ કરી હતી.
રાષ્ટ્રપતિએ ઘટનાની તપાસના આદેશ આપ્યા
આ ઘટના અંગે, તાઈચુંગના મેયર લુ ઝિયાઓ-યેને જણાવ્યું હતું કે તેમને નજીકમાં આવેલી તેમની ઓફિસમાં પણ વિસ્ફોટનો અનુભવ થયો હતો. તેમણે કહ્યું કે ફાયર બ્યુરો પહેલા બચાવ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરશે, પરંતુ તપાસ પણ ચાલી રહી છે અને અધિકારીઓ એ પણ જોઈ રહ્યા છે કે શું જોખમના અન્ય સ્ત્રોતો છે. દરમિયાન, તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તેએ તમામ સંબંધિત સરકારી એજન્સીઓને અકસ્માતની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.


