કેનેડાની લિબરલ પાર્ટી દ્વારા ભારતીય મૂળના કેનેડિયન નેતા રૂબી ધલ્લાને વડા પ્રધાન પદની રેસમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. રૂબી ધલ્લાએ કહ્યું કે તેમને પીએમ જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટી દ્વારા આગામી કેનેડિયન પીએમ બનવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. રૂબીએ પાર્ટીના આ નિર્ણયને આઘાતજનક અને નિરાશાજનક ગણાવ્યો છે. તેમણે આ વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ પોસ્ટ કરી છે.
રૂબી ધલ્લાને શા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા?
લિબરલ પાર્ટીના રાષ્ટ્રીય નિર્દેશક આઝમ ઇસ્માઇલે જણાવ્યું હતું કે: “લિબરલ લીડરશીપ વોટ કમિટીએ નક્કી કર્યું છે કે રૂબી ધલ્લાએ પાર્ટીના નેતૃત્વ અને ખર્ચ નિયમો સંબંધિત 10 ઉલ્લંઘનો કર્યા છે.” “આ નિર્ણય લાંબી, સંપૂર્ણ પ્રક્રિયા અને સમીક્ષા પછી લેવામાં આવ્યો હતો,” ઇસ્માઇલને ટાંકીને જણાવામાં આવ્યુ હતુ કે, આમાં ઇન્ટરવ્યુ, પ્રશ્નો અને જવાબોનો સમાવેશ થતો હતો, અને ડૉ. ધલ્લાને સમિતિઓને સીધા સંબોધવાની તક આપવામાં આવી હતી. “નેતૃત્વે નક્કી કર્યું કે આ ઉલ્લંઘનો અત્યંત ગંભીર હતા,” પાર્ટીએ જણાવ્યું. તે જ સમયે, રૂબી ધલ્લાએ પોતાના પરના આ આરોપોને પાયાવિહોણા, ખોટા અને બનાવટી ગણાવ્યા.
કેનેડિયન મીડિયા સાથે વાત કરતા, ઇસ્માઇલે કહ્યું કે પાર્ટી ચિંતિત છે કે ધલ્લાએ કેનેડા ચૂંટણી કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે નાણાકીય ઉલ્લંઘનની સાથે ખોટી નાણાકીય માહિતી પણ આપી છે. અગાઉ ધલ્લા પર તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન બિન-કેનેડિયન પાસેથી મળેલી મદદ જાહેર ન કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. જે પાર્ટીનો આરોપ છે કે તે વિદેશી હસ્તક્ષેપ સમાન હશે. કારણ કે તે ચૂંટણી સમયગાળા દરમિયાન થયું હતું.
રૂબી ધલ્લાએ પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા
લિબરલ પાર્ટીએ તેમને ગેરલાયક ઠેરવ્યા પછી, રૂબી ધલ્લાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું, “મને લાગે છે કે તે લિબરલ પાર્ટી ઓફ કેનેડાની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે કે પાર્ટીના નેતા અને દેશના વડા પ્રધાન બનવા માટે ચૂંટણી લડી રહેલા ઉમેદવારને મીડિયા દ્વારા તેમની અયોગ્યતા વિશે ખબર પડી રહી છે.” આ ઉપરાંત, રૂબી ધલ્લાએ પાર્ટી પર તેમની સાથે રાજકારણ અને પક્ષપાત કરવાનો આરોપ પણ લગાવ્યો અને કહ્યું કે પાર્ટી નથી ઇચ્છતી કે તેનો કોઈ ઉમેદવાર માર્ક કાર્નેને પડકાર આપે.


