ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 23 ફેબ્રુઆરીએ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. કરોડો ફેન્સ આ મેચની રાહ જોઈ રહ્યા હતા. પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો.
પરંતુ મેચ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ રિઝવાન અને હર્ષિત રાણા એકબીજા સામે આમનેસામને આવ્યા હતા.
લાઈવ મેચમાં બે ખેલાડીઓ વચ્ચે થઈ ટક્કર
મોહમ્મદ રિઝવાન 21મી ઓવરમાં રન માટે દોડી રહ્યો હતો. પરંતુ તેની લાઈન ખોટી હતી અને તે બોલિંગ કરી રહેલા હર્ષિત રાણા સાથે અથડાઈ ગયો. રિઝવાનને ખોટી લાઈનમાં દોડતો જોઈને હર્ષિત રાણા પણ ગુસ્સાથી લાલ થઈ ગયો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હર્ષિત એક આક્રમક ખેલાડી છે. આઈપીએલમાં, તે ઘણી વખત વિકેટ લીધા પછી વિરોધી ટીમને સ્લેજિંગ કરતો જોવા મળ્યો છે. આઈપીએલમાં વિકેટ લીધા પછી તેને ફ્લાઈંગ કિસ પણ આપી હતી, જેના પછી તેને દંડ ફટકારવામાં આવ્યો હતો.
પાકિસ્તાન માટે કેવી રહી શરૂઆત
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન તરફથી બાબર આઝમ અને ઈમામ ઉલ હકે ઈનિંગ્સની શરૂઆત કરી. પરંતુ બંને ટીમને સારી શરૂઆત આપી શક્યા નહીં. બાબર આઝમ 26 બોલમાં 23 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. હાર્દિક પંડ્યાએ તેને પેવેલિયન પાછો મોકલી દીધો. જ્યારે ઈમામ ઉલ હક 26 બોલમાં 10 રન બનાવીને રન આઉટ થયો.
જીતની શોધમાં પાકિસ્તાન
પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીની પોતાની પહેલી મેચ ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે રમી હતી. પરંતુ આ મેચમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. સેમિફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાને ભારત સામેની મેચ જીતવી પડશે. જ્યારે ભારતીય ટીમ પણ આ મેચ જીતીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ સુરક્ષિત કરવા માંગશે. મેન ઈન બ્લુએ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવીને ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી, તેથી ભારતીય ટીમ ઉત્સાહમાં છે.


