રશિયાના આન્દ્રે રુબલેવે ભારે રસાકસી બાદ બ્રિટનના આઠમા ક્રમાંકિત જેક ડ્રેપરને 7-5, 5-7, 6-1થી હરાવીને કતાર ઓપન એટીપી મેન્સ સિંગલ્સ ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
પાંચમા ક્રમાંકિત રુબલેવ 2020 બાદ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટમાં ટ્રોફી જીત્યો છે. આ ઉપરાંત ગયા વર્ષના એપ્રિલમાં મેડ્રિડ ઓપન જીત્યા બાદ પ્રથમ વખત તે કોઇ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યો છે. પ્રથમ સેટમાં બંને ખેલાડીઓએ સતત 11 ગેમ સુધી પોતપોતાની સર્વિસ જાળવી રાખી હતી. આખરે રશિયન ખેલાડીએ ડ્રેપરની સર્વિસ બ્રેક કરીને પ્રથમ સેટ પોતાના નામે કર્યો હતો. બીજા સેટમાં બ્રિટિશ ખેલાડીએ વળતો પ્રહાર કરીને મેચ નિર્ણાયક સેટમાં પહોંચાડીને ફાઇનલ વધારે રોમાંચક બનાવી દીધી હતી. આ પહેલાં બંને વચ્ચે ત્રણ મુકાબલા રમાયા હતા પરંતુ ડ્રેપર એક પણ મુકાબલો જીતી શક્યો નહોતો. અંતિમ સેટમાં રુબલેવે હરીફ ખેલાડીની બે વખત સર્વિસ બ્રેક કરીને સ્કોર 5-0નો કર્યો હતો. ડ્રેપર ગયા વર્ષે સ્ટુટગાર્ટ અને વિયેના ઓપનની ફાઇનલમાં પહોંચ્યા બાદ ટ્રોફી જીતવાથી વંચિત રહ્યો હતો.


