ઇંગ્લિશ પ્રીમિયર લીગની મેચમાં વેસ્ટ હામે 10 પ્લેયર્સની રમી રહેલી આર્સનલની ટીમને 1-0થી પરાજય આપીને અપસેટ સર્જ્યો હતો.
આ પરાજયના કારણે ટાઇટલ જીતવાની આર્સનલની આશાને મોટો ફટકો પણ પડયો છે. લીગની અન્ય મેચમાં એક સમયે બે ગોલથી પાછળ રહ્યા બાદ માન્ચેસ્ટર યૂનાઇટેડે વળતો પ્રહાર કરીને એવરટન સામેની મેચ 2-2થી ડ્રો કરી હતી. એમિરાત સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં જેરોડ બોવેને 44મી મિનિટે વેસ્ટ હામ માટે ગોલ્ડન ગોલ કર્યો હતો. બીજા હાફમાં 73મી મિનિટે આર્સનલના મેલેસ લૂઇસ સ્કેલીને રેડ કાર્ડ આપવામાં આવ્યું હતું. અન્ય મેચમાં ટોટનહામે ઇપ્સવિચ ટાઉનને 4-1થી હરાવ્યું હતું. આ મેચમાં ટોટનહામ માટે બ્રેનાન જોનસને 18મી તથા 26મી, જેડ સ્પેન્સે 77મી તથા ડેજાન કુલુસેવસ્કીએ 84મી મિનિટે ગોલ કર્યા હતા. ઇપ્સવિચ માટે ઓમારી હચિન્સને 36મી મિનિટે એકમાત્ર ગોલ કર્યો હતો. બ્રાઇટને સાઉથમ્પ્ટન સામે 4-0થી તથા એસ્ટોન વિલાએ ચેલ્સી સામે 2-1થી વિજય હાંસલ કર્યો હતો.


