ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી દરેક મેચમાં કોઈને કોઈ મોટા રેકોર્ડ પોતાના નામે કરે છે. પાકિસ્તાન સામે સદી ફટકારીને ઘણા મોટા રેકોર્ડ બનાવનાર કિંગ કોહલીએ હવે ન્યુઝીલેન્ડ સામે પણ ઈતિહાસ રચ્યો છે.
વિરાટ કોહલીએ મેચમાં ફક્ત 11 રન બનાવ્યા હોવા છતાં, તેના નામે એક મોટો રેકોર્ડ નોંધાઈ ગયો છે. વિરાટ કોહલી આવો રેકોર્ડ બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો છે.
વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ
ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ફેન્સને વિરાટ કોહલી પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. આ મેચમાં, કોહલી માત્ર 11 રન બનાવીને મેટ હેનરીનો શિકાર બન્યો. ગ્લેન ફિલિપ્સ સુપરમેનની જેમ હવામાં ઉડ્યો અને કેચ પકડીને કોહલીને પેવેલિયન મોકલી દીધો. આ મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ કોહલીએ 300 ODI મેચ પૂર્ણ કરી લીધી છે.
વિરાટ કોહલી 300 વનડે મેચ રમનાર 7મો ભારતીય ખેલાડી બન્યો છે. આ સાથે વિરાટ કોહલી ODI ફોર્મેટમાં 300 મેચ, T20 ફોર્મેટમાં 100 મેચ અને ટેસ્ટ ફોર્મેટમાં 100થી વધુ મેચ રમનાર વિશ્વનો પહેલો બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલીએ T20I ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે, પરંતુ તે ODI અને ટેસ્ટમાં રમતો જોવા મળે છે.
વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો બાદશાહ
કિંગ કોહલીએ અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા માટે 300 વનડે, 123 ટેસ્ટ અને 125 T20 મેચ રમી છે. જેમાં તેને કુલ 27503 રન બનાવ્યા છે. જેમાં 82 સદી અને 142 અડધી સદીનો પણ સમાવેશ થાય છે. ICC ઈવેન્ટ્સમાં પણ, વિરાટ કોહલી ટીમ ઈન્ડિયા માટે શાનદાર બેટિંગ કરતો જોવા મળે છે. ટીમ ઈન્ડિયા 4 માર્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમીફાઈનલ મેચ રમવા જઈ રહી છે. જ્યાં કિંગ કોહલીના બેટમાંથી એક મોટી ઈનિંગ જોઈ શકાય છે.


