મહિલા પ્રીમિયર લીગમાં આજે એટલે કે 3 માર્ચે યુપી વોરિયર્સનો સામનો ગુજરાત જાયન્ટ્સ સાથે થયો. ગુજરાત આ મેચ જીતી ગયું. આ સિઝનમાં આ તેની ત્રીજી જીત છે.
187 રનના ટાર્ગેટનો પીછો કરતા યુપીનો દાવ ફક્ત 105 રન સુધી જ સિમિત રહ્યો. આ જીત બાદ ગુજરાત જાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાનેથી બીજા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે યુપી નીચે સરકી ગયું છે.
યુપીના બેટ્સમેન નિષ્ફળ ગયા
187 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે યુપી ટીમની શરૂઆત ખરાબ રહી. ટીમની પહેલી વિકેટ ફક્ત એક રન પર પડી. કિરણ નવગિરે ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો. તેના આઉટ થયા પછી, જ્યોર્જિયા વોલ પણ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગઈ. તેના સિવાય વૃંદા પણ 1 રન બનાવીને આઉટ થઈ ગઈ. ટીમે માત્ર 36 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી. આ પછી, ઉમા અને ચિનેલ હેનરીએ ઈનિંગ્સની કમાન સંભાળી. ચિનેલ હેનરીએ 14 બોલમાં 28 રન બનાવ્યા.
ઉમા છેત્રી પણ 22 બોલમાં 17 રન બનાવીને આઉટ થઈ ગઈ. તેના આઉટ થયા પછી, ગૌહર પણ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગઈ. ગુજરાત તરફથી કાશ્વી ગૌતમ અને તનુજાએ 3-3 વિકેટ લીધી. ડિઆન્ડ્રા ડોટિને બે વિકેટ લીધી.
બેથ મૂનીએ રમી શાનદાર ઈનિંગ
યુપી વોરિયર્સ સામે પ્રથમ બેટિંગ કરતા ગુજરાત જાયન્ટ્સે 5 વિકેટે 186 રનનો મોટો સ્કોર બનાવ્યો. ગુજરાત માટે, અનુભવી બેટ્સમેન બેથ મૂની સદી ચૂકી ગઈ પરંતુ 96 રન બનાવીને અણનમ રહી. પોતાની ઈનિંગ દરમિયાન તેણે 17 ચોગ્ગા ફટકાર્યા.
સદી ફટકારવા માટે તેને છેલ્લી ઓવરમાં 10 રનની જરૂર હતી પરંતુ તે 3 બોલમાં ફક્ત 6 રન જ બનાવી શકી. અહીંના એકાના સ્ટેડિયમ ખાતે સીઝનની પહેલી મેચમાં યજમાન યુપી વોરિયર્સ તરફથી સોફી એક્લેસ્ટોને 34 રન આપીને 2 વિકેટ લીધી. હરલીન દેઓલે 45 રન બનાવ્યા. તેણે 32 બોલની ઈનિંગમાં છ ચોગ્ગા ફટકાર્યા.


