મંગળવારે અમેરિકાના હવાઈ ટાપુમાં કિલાઉઆ જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. અહીં આ જ્વાળામુખી ફાટ્યા પછી તેનો લાવા 150 ફૂટથી વધુ ઊંચાઈએ વધી રહ્યો છે જે ખૂબ ચિંતાનો વિષય છે. કિલાઉઆ જ્વાળામુખી સમયાંતરે ફાટી રહ્યો છે અને તેના કારણે લાવા વધુ ઊંચાઈએ પહોંચવાનો ભય રહેલો છે.
કિલાઉઆ સૌથી સક્રિય જ્વાળામુખીમાંથી એક
વાસ્તવમાં કિલાઉઆ જ્વાળામુખી અમેરિકાના હવાઈમાં બિગ આઇલેન્ડના ‘હવાઈ વોલ્કેનોઝ નેશનલ પાર્ક’માં સ્થિત છે. કિલાઉઆ જ્વાળામુખીને વિશ્વના સૌથી સક્રિય જ્વાળામુખીમાંનો એક માનવામાં આવે છે. 23 ડિસેમ્બરે કિલાઉઆના શિખર પર જ્વાળામુખી વિસ્ફોટ શરૂ થયો હતો. જેમાં મંગળવારે 12મો વિસ્ફોટ થયો હતો, ત્યારબાદ જ્વાળામુખીમાંથી લાવા 150 ફૂટથી વધુ ઊંચાઈએ ઉછળી રહ્યો છે. જે આસપાસના વિસ્તાર માટે ચિંતાનો વિષય બન્યો છે.
રહેણાંક વિસ્તાર માટે ચિંતાનો વિષય નથી
હવાઇયન વોલ્કેનો ઓબ્ઝર્વેટરીએ જણાવ્યું હતું કે સવારે હળવા પ્રવાહ સાથે લાવા ફૂટવાનું શરૂ થયું હતું પરંતુ બપોરે તે ઝડપી બન્યું. લાવા 150 થી 165 ફૂટની ઊંચાઈએ પહોંચ્યો હતો અને તે હજુ પણ વધુ ઊંચાઈએ પહોંચવાની ધારણા લગવાઈ રહી છે. ત્યારે હાલમાં વિસ્ફોટથી કોઈપણ રહેણાંક વિસ્તારને કોઈ ખતરો નથી.
જ્વાળામુખી કેમ ફાટે છે?
જ્વાળામુખીને પર્વતની જેમ વિચારી શકાય છે. તેની નીચે પીગળેલા લાવાનો મોટો જથ્થો એકઠો થયેલો હોય છે. પૃથ્વીની અંદર ભૂ-ઉષ્મીય ઉર્જાનો મોટો જથ્થો રહેલો હોય છે. આના કારણે પથ્થરો ઓગળીને લાવામાં ફેરવાઈ જાય છે. જ્યારે આ પીગળેલા ખડકો, જેને મેગ્મા પણ કહેવાય છે, તે કુદરતી રીતે ભૂકંપની જેમ હલવ લાગે છે, ત્યારે જ્વાળામુખી ફાટી નીકળે છે. જ્યારે પીગળેલા ખડકો અને ગેસ ઉપર તરફ દબાણ બનાવે છે, ત્યારે પર્વતમાં વિસ્ફોટ થાય છે અને જ્વાળામુખીમાં ફેરવાય છે.


