આઇપીએલ 2025ના શરૂ થવાના લગભગ બે સપ્તાહ પહેલાં સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાની ટીમમાં ફેરફાર કર્યા છે. ઇંગ્લેન્ડનો બ્રાઇડન કાર્સ ઇજાના કારણે પૂરી ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.
તેના સ્થાને હૈદરાબાદની ટીમમાં વિયાન મુલ્ડરને સામેલ કરવામાં આવ્યો છે. મુલ્ડર સાઉથ આફ્રિકાનો પેસ બોલિંગ ઓલરાઉન્ડર છે. તેને આગામી સિઝનમાં રમવા માટે 75 લાખ રૂપિયા આપવામાં આવશે. બ્રાઇડન કાર્સને ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ઇજા થઇ હતી. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેના પગના અંગૂઠામાં ઇજા થઇ હતી. આ પહેલાં તે ભારત સામેની વ્હાઇટબોલ શ્રોણીમાં પણ સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. ગયા વર્ષના અંત ભાગમાં યોજાયેલી આઇપીએલની મેગા હરાજીમાં હૈદરાબાદે બ્રાઇડન કાર્સને એક કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. કાર્સનો ટી20 રેકોર્ડ શાનદાર છે. બોલિંગ ઓલરાઉન્ડર તરીકે તેણે ટી20માં 53 વિકેટ ઝડપવાની સાથે 783 રન પણ બનાવ્યા હતા.


