પાકિસ્તાન સામે 100 રનની અણનમ સદી ફટકારીને વિરાટ કોહલીએ પોતાનું ફોર્મ પાછું મેળવ્યું છે. તેને ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલ મેચમાં પણ 84 રન બનાવ્યા હતા. વિરાટે આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં ઘણા રેકોર્ડ તોડ્યા છે.
વિરાટ કોહલી અંતિમ મેચમાં 3 મોટા રેકોર્ડ તોડે તેવી અપેક્ષા છે. ભારતીય ટીમ 9 માર્ચે ન્યુઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઈનલ રમશે. વિરાટ આ મેચમાં 3 મોટા રેકોર્ડ બનાવી શકે છે.
ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ રન
ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ક્રિસ ગેઈલના નામે છે, જેને 791 રન બનાવ્યા છે. બીજા સ્થાને, વિરાટ કોહલી 17 મેચમાં 16 ઈનિંગ્સમાં 746 રન બનાવીને બીજા સ્થાને છે. જો વિરાટ કોહલી ફાઈનલમાં 46 રન બનાવે છે, તો તે ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે.
સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તૂટવાની અણી પર
ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ કેચ લેવાનો રેકોર્ડ સૌરવ ગાંગુલીના નામે છે. તેને ભારતીય તરીકે ટુર્નામેન્ટમાં સૌથી વધુ કેચ લીધા છે. ગાંગુલીએ 13 મેચમાં 12 કેચ લીધા છે. વિરાટ કોહલી બીજા સ્થાને છે, જેને 17 મેચમાં 11 કેચ લીધા છે. જો કોહલી આ મેચમાં 1 કેચ લે છે, તો તે દાદાના રેકોર્ડની બરાબરી કરશે. તે બે કેચ પકડતાની સાથે જ દાદાનો રેકોર્ડ તોડી નાખશે.
સચિનના રેકોર્ડ પણ તૂટવાની શક્યતા
હાલમાં, સચિન તેંડુલકર ન્યુઝીલેન્ડ સામે વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેને 42 મેચમાં 1750 રન બનાવ્યા છે. આ લિસ્ટમાં વિરાટ કોહલી બીજા સ્થાને છે. તેને 32 મેચમાં 1656 રન બનાવ્યા છે. વિરાટને સચિનનો રેકોર્ડ તોડવા માટે ફક્ત 95 રનની જરૂર છે. 95 રન બનાવીને, વિરાટ ન્યુઝીલેન્ડ સામે ODI ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે.


