ભારતીય સ્પિનરોની ચુસ્ત બોલિંગના આધારે, ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ટાઈટલ જીત્યું. આ જીતથી આખું ભારત ખુશીથી ભરાઈ ગયું છે. આ જીત સાથે, ક્રિકેટના મેદાન પર ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માનો મૈત્રીપૂર્ણ અંદાજ જોવા મળ્યો. જીત્યા બાદ, બંને ખેલાડીઓ હાથમાં વિકેટ લઈને દાંડિયા રમતા જોવા મળ્યા.
ભારતે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને જીતી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025
ઘણીવાર રોહિત શર્મા અને વિરાટ કોહલીના ઉજવણીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં, રોહિત અને વિરાટ ઘણી વખત સાથે મેદાન પર વ્યૂહરચના બનાવતા જોવા મળ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા (76 રન) ની અડધી સદીની મદદથી ભારતે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી લીધી. આ ભારતનો સતત બીજો ICC ખિતાબ છે.
રચિન રવિન્દ્ર અને વિલ યંગે પ્રથમ વિકેટ માટે 57 રનની પાર્ટનરશિપ કરી. એક સમયે એવું લાગતું હતું કે કિવી ટીમ મોટો સ્કોર કરવામાં સફળ થશે. આ પરિસ્થિતિમાં, ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી કેપ્ટન રોહિતની મદદ માટે આગળ આવ્યા.
ભારતની શાનદાર જીત
અંતિમ મેચમાં 252 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 49 ઓવરમાં 6 વિકેટે 254 રન બનાવીને જીત મેળવી. શ્રેયસ ઐયરે 48 રન અને શુભમન ગિલે 31 રન બનાવ્યા. અક્ષર પટેલે 29 રનનું યોગદાન આપ્યું. કેએલ રાહુલે અણનમ 34 અને રવિન્દ્ર જાડેજાએ અણનમ 9 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો. ટોસ જીતીને બેટિંગ પસંદ કરનાર ન્યુઝીલેન્ડે ડેરિલ મિચેલ (63) અને માઈકલ બ્રેસવેલ (અણનમ 53) ની અડધી સદીની મદદથી સાત વિકેટે 251 રન બનાવ્યા.
ત્રીજી વખત વિશ્વ ચેમ્પિયન બન્યું ભારત
ભારતે કુલ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. હવે ભારત સૌથી વધુ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર દેશ પણ બની ગયો છે. ભારતે 2002માં શ્રીલંકા સાથે ચેમ્પિયન્સ ટ્રોફી શેર કરી હતી, ત્યારબાદ 2013માં ટીમ ઈન્ડિયાએ એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ટ્રોફી જીતી હતી. હવે 2025 માં, ભારત ન્યુઝીલેન્ડને 5 વિકેટથી હરાવીને ત્રીજી વખત ચેમ્પિયનનો ચેમ્પિયન બન્યો છે.


