ચક્રવાત આલ્ફ્રેડને કારણે ઓસ્ટ્રેલિયામાં ભારે વરસાદની સ્થિતિ યથાવત છે. ભારે વરસાદ અને ભારે પવનને કારણે પુલો ધોવાઈ ગયા છે. વૃક્ષો ધરાશાયી થયા અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. અત્યાર સુધીમાં એક વ્યક્તિના મોતના અહેવાલ છે. આ સાથે મોટાભાગના ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાતને કારણે દેશના પૂર્વ કિનારા પર ભારે વરસાદ પડી રહ્યો છે. પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ભારે વરસાદથી વધી મુશ્કેલીઓ
ચક્રવાતને કારણે અધિકારીઓએ ક્વીન્સલેન્ડ અને ન્યુ સાઉથ વેલ્સના 400 કિલોમીટર દરિયાકાંઠામાં પૂર અને ગંભીર હવામાન ચેતવણીઓ જારી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ક્વીન્સલેન્ડની રાજધાની બ્રિસ્બેનમાં 24 કલાકમાં 30 સેન્ટિમીટર સુધી વરસાદ પડ્યો છે. ઓસ્ટ્રેલિયા હાલમાં ચક્રવાત આલ્ફ્રેડનો સામનો કરી રહ્યું છે. ચક્રવાતને કારણે દેશના પૂર્વ કિનારા પર ભારે વરસાદ પડી રહ્યો છે. પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. ઉપરાંત ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. કામદારો પરિસ્થિતિ સુધારવા માટે સતત કામ કરી રહ્યા છે.
પુલ તૂટી પડવાથી મૃત્યુ
આ ચક્રવાતમાં અત્યાર સુધીમાં એકનું મૃત્યુ નોંધાયું છે. ઉત્તરી ન્યૂ સાઉથ વેલ્સમાં વરસાદ સંબંધિત પરિસ્થિતિઓને કારણે એક પુલ ધોવાઈ ગયો. તે સમયે આ પુલ પર એક 61 વર્ષીય વ્યક્તિ પોતાની પિકઅપ ગાડીમાં બેઠો હતો, પુલ તૂટી પડતાં તે વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે જોરદાર પ્રવાહમાં ગાયબ થતાં પહેલાં, તેણે નદીમાં એક ઝાડને પકડી રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણીનો પ્રવાહ એટલો મજબૂત હતો કે તેની પકડ નબળી પડી ગઈ અને તે પાણી સાથે વહેવા લાગ્યો. બીજા દિવસે તે વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. શનિવારે એક અલગ ઘટનામાં, પૂરગ્રસ્ત ઉત્તરી ન્યૂ સાઉથ વેલ્સના લિસ્મોર શહેર નજીક રસ્તાઓ સાફ કરવા માટે તૈનાત બે સૈન્ય ટ્રકો પલટી જતાં 13 સૈનિકો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
રસ્તાઓ પર પાણી ભરાયા
દેશમાંથી બહાર આવેલી તસવીરોમાં ત્યાંની બગડતી પરિસ્થિતિ સ્પષ્ટપણે દેખાય છે. ૨૫ લાખની વસ્તી ધરાવતા શહેરના કેટલાક રસ્તાઓ પૂરના પાણીમાં ડૂબી ગયા હતા, રસ્તાઓ પર પાણી એટલું બધું ભરાઈ ગયું છે કે અડધાથી વધુ વાહનો પાણીમાં ડૂબી ગયા છે. આવી પરિસ્થિતિઓને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન, બચાવ કામગીરી પણ ચાલી રહી છે. રાજ્યના પ્રીમિયર ડેવિડ ક્રિસાફુલીએ જણાવ્યું હતું કે, ક્વિન્સલેન્ડમાં રાત્રે ઝડપથી વધી રહેલા પાણીમાંથી 17 લોકોને ઇમરજન્સી સેવાઓએ બચાવ્યા હતા. તેમણે કહ્યું કે, વરસાદને કારણે દક્ષિણ-પૂર્વના કેટલાક ભાગોમાં અચાનક પૂરની સ્થિતિ છે અને નદીઓમાં પાણીનું સ્તર પણ વધી રહ્યું છે. આ દરમિયાન, તેમણે લોકોને સતર્ક રહેવા કહ્યું છે. હવામાન વિભાગના આગાહી અધિકારી જોનાથન હોવે જણાવ્યું હતું કે આ બધું ચક્રવાત આલ્ફ્રેડને કારણે થયું છે. તેમણે ચક્રવાત વિશે કહ્યું કે તે શનિવારે દક્ષિણપૂર્વ ક્વીન્સલેન્ડ કિનારાને પાર કરી ગયું હતું, પરંતુ જમીન પરથી પસાર થતી વખતે પણ તેની ગતિ ખૂબ ઓછી હતી. મહત્વની વાત એ છે કે તે હજુ પણ ઘણો ભેજ ખેંચી રહ્યું છે.
2 લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ
ભારે વરસાદને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. યુટિલિટી કંપનીઓએ જણાવ્યું હતું કે ક્વીન્સલેન્ડમાં 210,000 થી વધુ ઘરો અને વ્યવસાયો હજુ પણ વીજળી વગરના છે અને ન્યૂ સાઉથ વેલ્સમાં 10,000 ઘરો વીજળી વગરના છે. વરસાદને કારણે વૃક્ષો અને વીજળીના થાંભલા પડી ગયા છે અને તેમને સુધારવાનું કામ ચાલી રહ્યું છે. ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ક્રિસ મિન્સે જણાવ્યું હતું કે હવામાનની પેટર્ન હજુ પણ કંઈક અંશે અસ્પષ્ટ છે અને આગામી 24 કલાકમાં વધુ વરસાદની અપેક્ષા છે.


