ભારતીય રેસલર્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. કારણ કે રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા પર લગાવેલો બેન હટાવી લીધો છે. જેથી હવે WFI ટુર્નામેન્ટનું આયોજન કરી શકશે. નેશનલ ટીમ ઉપરાંત ઇન્ટરનેશનલ ઇવેન્ટ માટે ખેલાડીઓની પસંદગી પણ કરી શકશે. રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન પરનો પ્રતિબંધ હટાવી દીધો છે અને તેનો દરજ્જો NSF તરીકે જાળવી રાખ્યો છે.
કેમ હતો પ્રતિબંધ ?
રમત મંત્રાલયે 24 ડિસેમ્બર 2023 ના રોજ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને સસ્પેન્ડ કરી દીધું હતું. સંજય સિંહના નેતૃત્વ હેઠળની પેનલે 21 ડિસેમ્બર 2023ના રોજ WFI ચૂંટણી જીતી. જેના માત્ર 3 દિવસ પછી WFI પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફેડરેશનના મનસ્વી કાર્યોને કારણે આ સસ્પેન્શન લાદવામાં આવ્યું હતું. એવું માનવામાં આવતું હતું કે મંત્રાલયના આ નિર્ણય પાછળ બ્રિજભૂષણ શરણ સિંહનો હાથ હતો. પરંતુ તે સમયે બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે WFI ને સસ્પેન્ડ કરવાના સરકારના નિર્ણય સાથે તેમનો કોઈ સંબંધ નથી.
સસ્પેન્શન અંગે રમતગમત મંત્રાલયે કહ્યું હતું કે સંજય સિંહની અધ્યક્ષતામાં નવા ચૂંટાયેલા બોર્ડે નિયમો અને કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે. મંત્રાલયે વધુમાં આરોપ લગાવ્યો કે નવું બોર્ડ પણ અગાઉના પદાધિકારીઓના નિયંત્રણ હેઠળ હતું – જેમને જાતીય સતામણીના આરોપો પર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
રમતગમત મંત્રાલયે આ સૂચનાઓ આપી
રમત મંત્રાલય દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ યોગ્ય દિશામાં કામ કરવું જોઈએ જેથી તેના પર લાદવામાં આવેલા સસ્પેન્શનને દૂર કરવા માટે વિચારણા કરી શકાય. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ પણ આ જ સૂચનાઓનું પાલન કરવાનો પ્રયાસ કર્યો. જેના પછી સરકારે તેમના પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવવા માટે સંમતિ આપી છે. જોકે સ્થિતિ હજુ પણ NSF જેવી જ છે. રમત મંત્રાલય દ્વારા સસ્પેન્શન હટાવ્યા પછી, હવે ખેલાડીઓ માટે કુસ્તીની રમતમાં પ્રગતિ કરવાના દરવાજા ખુલતા દેખાય છે.


