ક્રિકેટમાં સુપર પાવર ભારત વિના ક્રિકેટની કોઈ મોટી ટૂર્નામેન્ટની કલ્પના કરી શકાય તેમ નથી પરંતુ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડે એવી ઉજવણીની તૈયારી કરી લીધી છે જેમાં ભારત ક્યાંય નથી.
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડે ટેસ્ટ ક્રિકેટના 150 વર્ષ પૂરા થવાની ઉજવણીના ભાગરૂપે રમાનારી ડે-નાઇટ મેચ મેલબોર્નમાં રમાશે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી હતી કે 2027ની 11મી માર્ચથી મેલબોર્નમાં ટેસ્ટ રમાશે. આ ઐતિહાસિક સ્ટેડિયમમાં જ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 1877માં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. બંને ટીમો વચ્ચે 1977ની શતાબ્દી ટેસ્ટ મેચ એમસીજી ખાતે રમાઈ હતી. બંને આઇકોનિક ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ 45 રનના સમાન માર્જિનથી જીતી હતી. ઓસ્ટ્રેલિયા 2025-26માં એશિઝ શ્રેણીની યજમાની કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયન બોર્ડના મુખ્ય અધિકારી ટોડ ગ્રીનબર્ગે જણાવ્યું હતું કે એમસીજી ખાતે ડે-નાઇટ ટેસ્ટ રમાશે જેના કારણે સર્વાધિક લોકો સ્ટેડિયમમાં આવી શકશે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં 13 ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી છે જેમાં 12 મેચ જીતી છે. આઠ મેચનું આયોજન એડિલેડ ખાતે કરવામાં આવ્યું હતું. આઇસીસીની સર્વાધિક કમાણી ભારતમાંથી થાય છે તેમ છતાં ક્રિકેટની પ્રથમ ઇન્ટરનેશનલ મેચની વર્ષગાંઠથી ભારતને દૂર રાખવું તેના કારણો સમજાતા નથી.


