શ્રેયસ ઐયરે કહ્યું કે ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યા બાદ તે પોતાની ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. ભારતે 29 માર્ચ, રવિવારના રોજ ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ત્રીજો ખિતાબ જીત્યો. લક્ષ્યનો પીછો કરતી વખતે, શ્રેયસે 48 મહત્વપૂર્ણ રન બનાવ્યા અને ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
30 વર્ષીય શ્રેયસ ઐયરે ટુર્નામેન્ટમાં પાંચ મેચમાં કુલ 243 રન બનાવ્યા અને બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલા એક વીડિયોમાં તેને ટાઈટલ જીતને શાનદાર ગણાવી અને કહ્યું કે તેઓ ભારતની જીતમાં યોગદાન આપીને ખૂબ જ ખુશ છે.
શ્રેયસ ઐયરે કહી આ વાત
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરે કહ્યું કે “સાચું કહું તો, મારી પાસે તેને વ્યક્ત કરવા માટે શબ્દો નથી. તે એક અદ્ભુત લાગણી છે. હું ખૂબ જ ખુશ છું કે હું દરેક મેચમાં અને દરેક શક્ય રીતે ટીમમાં યોગદાન આપી શક્યો. મેં મેદાન પર મહત્વપૂર્ણ રનઆઉટ અને કેચ લઈને પણ ભૂમિકા ભજવી. આ લાગણી શબ્દોની બહાર છે, હું તેનું વર્ણન કરી શકતો નથી.”
આના કારણે નિરાશ છે શ્રેયસ
શ્રેયસે કહ્યું કે તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં સામેલ થઈને ખુશ છે, પરંતુ તે ઈચ્છતો હતો કે તે ફાઈનલમાં અંત સુધી ક્રીઝ પર રહ્યો હોત અને તેની ટીમને જીત અપાવી હોત. પરંતુ થોડી નિરાશા છતાં, તેને ટીમ જીતી ગઈ તેનો આનંદ વ્યક્ત કર્યો. શ્રેયસે કહ્યું કે દિવસના અંતે, સૌથી મહત્વપૂર્ણ બાબત ભારતની જીત હતી અને તે આ ટાઈટલ જીતમાં દરેકના યોગદાનથી ખૂબ જ ખુશ છે.
તેને કહ્યું, “આખરે દરેક ખેલાડી ટીમ માટે મેચ પૂરી કરવા માંગે છે. હું આ ક્ષણને કોઈપણ દિવસે સ્વીકારી શકું છું, અને હું ખૂબ જ ખુશ છું કે દરેક ખેલાડીએ ટીમની જીતમાં ફાળો આપ્યો.”


