પાકિસ્તાન અને વિવાદોને વર્ષોથી નાતો રહ્યો છે અને પ્રત્યેક દિવસે પાકિસ્તાન ક્રિકેટ ચર્ચાનું કેન્દ્ર બને છે.
ચેમ્પિયન્સ ટ્રોફીના લીગ તબક્કામાં એક પણ વિજય મેળવ્યા વિના બહાર થઇ ગયા બાદ ભૂતપૂર્વ કોચ તથા ખેલાડીઓ ચોમેરથી પીસીબીની આકરી ટીકાઓ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બોલર જેસન ગિલેસ્પીએ ટેમ્પરરી પાકિસ્તાની કોચ આકિબ જાવેદને જોકર તરીકે વર્ણવ્યો છે. ભૂતપૂર્વ કોચ મિકી આર્થરે પાકિસ્તાન ક્રિકેટને જંગલ તરીકે વર્ણવ્યું છે. આર્થરે જણાવ્યું હતું કે ગિલેસ્પીએ કરેલું નિવેદન મને પસંદ પડયું છે. તે શાનદાર કોચ તથા વ્યક્તિ છે. પાકિસ્તાન ક્રિકેટ પ્રત્યેક વખત પોતાના પગ ઉપર જ ગોળી મારી રહ્યું છે. ટીમમાં ઘણા શાનદાર ખેલાડીઓ છે પરંતુ મીડિયાના એક ચોક્કસ ગ્રૂપના કારણે પાકિસ્તાન ક્રિકેટ અવ્યવસ્થિત છે.
મારા મતે ગિલેસ્પી અને ગેરી કર્સ્ટનને કોચ તરીકે કરારબદ્ધ કર્યા હતા ત્યારે પાકિસ્તાન ક્રિકેટ સાચી દિશામાં જઇ રહ્યું હતું પરંતુ કેટલાક ચોક્કસ વ્યક્તિઓના કારણે બંનેએ સમય કરતાં પહેલાં કોચપદેથી રાજીનામું આપી દીધું હતું. પાકિસ્તાન પાસે કેટલાક સારા કોચ છે અને તેઓ ટીમને આગળ લઇ જઇ શકે છે પરંતુ પાકિસ્તાનમાં જે મશીન કામ કરે છે તે સતત ટીમને નબળી બનાવી રહ્યું છે. મીડિયામાં એક ચોક્કસ એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. કસ્ટર્ન અને ગિલેસ્પીને કોચ તરીકે નબળાં આંકવામાં આવ્યા તેનું મને દુઃખ છે. આખરે પાકિસ્તાન ક્રિકેટને જ નુકસાન થયું છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયા બાદ કોચ આકિબ જાવેદે ટીમના ખરાબ પ્રદર્શનનો લૂલો બચાવ કરીને જણાવ્યું હતું કે છેલ્લા અઢી વર્ષમાં 16 કોચ તથા 26 પસંદગીકારો બદલાયા છે. જો તમે વિશ્વની કોઇ પણ ટીમ સાથે આવું કરો તો તેનું પ્રદર્શન પણ નીચલા સ્તરનું રહેશે. આ અંગે ગિલેસ્પીએ જણાવ્યું હતું કે આ ખુલાસો હાસ્યાસ્પદ છે. પડદા પાછળ રમત રમાઇ રહી છે તેવો મને હંમેશાં એહસાસ થતો રહેતો હતો જેની મને જાણકારી રહેતી નહોતી. આકિબને જ્યારે ઇન્ટ્રિમ કોચ તરીકે નિમવામાં આવ્યો ત્યારે મને સહેજ પણ આશ્ચર્ય થયું નહોતું.


