કેનેડામાં જસ્ટિન ટ્રુડો ફરી બનશે વડાપ્રધાન? નવા નિયુક્ત વડા પ્રધાન માર્ક કાર્ને કેમ અચાનક કેનેડામાં મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરવા જઈ રહ્યા છે? કાર્ને રવિવારે જ કેનેડામાં મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરી શકે છે તેવા સૂત્રોથી એધાણ મળી રહ્યા છે. આખરે, પીએમ કાર્ને કેનેડામાં આટલી જલ્દી મધ્યસત્ર ચૂંટણી શા માટે કરાવવા માંગે છે, જ્યારે તેમણે વડાપ્રધાન તરીકે એક મહિનો પણ પૂરો કર્યો નથી. નવા વડાપ્રધાન માર્ક કાર્ને પોતે સંસદ સભ્ય બનવા માટે ઓટાવા વિસ્તારના એક જિલ્લામાંથી ચૂંટણી લડશે.
લિબરલ પાર્ટીએ શનિવારે જાહેરાત કરી હતી કે કાર્ને દેશમાં ત્વરિત સામાન્ય ચૂંટણીની જાહેરાત કરશે, સંભવતઃ મતદાન 28 એપ્રિલે થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઇ રહી છે. આ ચૂંટણી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સાર્વભૌમત્વ સામેના ખતરા અને વેપાર યુદ્ધના ભયની પૃષ્ઠભૂમિમાં થશે. લિબરલ પાર્ટીએ કહ્યું કે કાર્ને ઓટ્ટાવાના ઉપનગરીય વિસ્તાર નેપિયનનું પ્રતિનિધિત્વ કરવા માટે ચૂંટણી લડશે. ઓટ્ટાવા એ છે જ્યાં કાર્નેએ તેમના પરિવારનો ઉછેર કર્યો અને તેમની કારકિર્દી જાહેર સેવા માટે સમર્પિત કરી, પાર્ટીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. તેમણે સેન્ટ્રલ બેંક ઓફ કેનેડાના વડા તરીકે પણ સેવા આપી છે.
કાર્ને કેનેડામાં મધ્યસત્ર ચૂંટણી કેમ ઈચ્છે છે?
કેનેડામાં સત્તારૂઢ લિબરલ પાર્ટી માટે આ વખતે હારની પ્રબળ સંભાવના હતી. પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને 51મું રાજ્ય બનાવ્યું અને ટ્રુડોએ આ ઓફરને નકારી કાઢી, તેણે તેની સામે આર્થિક યુદ્ધની જાહેરાત કરી. ત્યાર બાદ ચૂંટણીના સમીકરણો બદલાતા જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં જો ચૂંટણી તાત્કાલિક યોજાય તો લિબરલ પાર્ટીને જીતની આશા જાગી છે. એટલા માટે કાર્ને મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરવા જઈ રહ્યા છે. જો કે, આ મધ્યસત્ર ચૂંટણી પછી ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને બીજી તક મળશે કે કેમ તે અંગે કોઈ તરફથી કોઈ દાવો કરવામાં આવ્યો નથી.
કેનેડામાં કેટલી બેઠકો માટે ચૂંટણી યોજાશે?
કેનેડામાં હાઉસ ઓફ કોમન્સની 343 બેઠકો અથવા જિલ્લાઓ માટેનો ચૂંટણી પ્રચાર 37 દિવસ સુધી ચાલશે. ભૂતપૂર્વ કેન્દ્રીય બેન્કર માર્ક કાર્નેએ 14 માર્ચે કેનેડાના નવા વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. કાર્ને (59)એ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું સ્થાન લીધું. ટ્રુડોએ જાન્યુઆરીમાં તેમના રાજીનામાની જાહેરાત કરી હતી. શાસક લિબરલ પાર્ટી આ વર્ષે સંભવિત ચૂંટણીમાં હારી જવાની ધારણા હતી, પરંતુ ટ્રમ્પે ટેરિફના સ્વરૂપમાં “આર્થિક યુદ્ધ” જાહેર કર્યું અને સમગ્ર દેશને 51માં રાજ્ય તરીકે અમેરિકા સાથે જોડવાની ધમકી આપી. હવે આ બદલાયેલા સમીકરણોને કારણે ચૂંટણીમાં લિબરલ પાર્ટીને ધાર મળશે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે. ટ્રમ્પે કેનેડિયન સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા ડ્યુટી લાદી છે અને 2 એપ્રિલથી તમામ કેનેડિયન ઉત્પાદનો પર ભારે ટેરિફની જાહેરાત કરી છે.


