IPL 2025 માં અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સે છેલ્લી ઓવરમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું. વિશાખાપટ્ટનમમાં રમાયેલી સીઝનની ચોથી મેચમાં વિસ્ફોટક બેટિંગ જોવા મળી, જ્યાં લખનૌએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 209 રનનો વિશાળ સ્કોર બનાવ્યો.
લખનૌ તરફથી નિકોલસ પૂરન અને મિચેલ માર્શે શાનદાર બેટિંગ કરી. આ પછી દિલ્હીએ ફક્ત 7 રનમાં 3 વિકેટ અને 65 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ આશુતોષ શર્માના બળ પર જોરદાર વાપસી કરી અને છેલ્લી ઓવરમાં ફક્ત 1 વિકેટથી મેચ જીતી લીધી.
આશુતોષ શર્માએ મચાવી ધૂમ
24 માર્ચ સોમવારના રોજ સાંજે VDCA સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, આશુતોષ શર્માએ ફરી એકવાર પોતાનો ફિનિશર અવતાર બતાવ્યો. ગયા સિઝનમાં પંજાબ કિંગ્સ તરફથી રમતા આશુતોષે શશાંક સિંહ સાથે મળીને ઘણી ઈનિંગ્સ અને મેચોમાં શાનદાર ફિનિશિંગ કર્યા હતા, તેને નવી સિઝનની પહેલી મેચમાં પણ આ જ પ્રદર્શન ચાલુ રાખ્યું. આ વખતે તેની ટીમ નવી હતી પણ સ્ટાઈલ એ જ જૂની હતી અને એ જ સ્ટાઈલના આધારે તેને દિલ્હીને તેના ઈતિહાસમાં સૌથી મોટી જીત અપાવી.
લખનૌ દ્વારા આપવામાં આવેલા 210 રનના લક્ષ્યાંકના જવાબમાં, દિલ્હીએ પ્રથમ ઓવરમાં જ 2 વિકેટ ગુમાવી દીધી હતી. મેગા ઓક્શનમાં દરેક ટીમ દ્વારા નકારાયેલા શાર્દુલ ઠાકુરને મોહસીન ખાનની ઈજાને કારણે આ સિઝનમાં રમવાની તક મળી અને આ બોલરે લખનૌ માટે પ્રથમ ઓવરમાં જ બેવડી સફળતા મેળવી. પછી બીજી ઓવરમાં ત્રીજી વિકેટ પણ પડી ગઈ અને ટૂંક સમયમાં અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ. માત્ર 40 બોલમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ, દિલ્હીનો હાર નિશ્ચિત લાગતી હતી પરંતુ આશુતોષના ઈરાદા અલગ હતા.
વિપરાજ નિગમે મચાવી ધૂમ
7મી ઓવરમાં આવેલા આશુતોષે શરૂઆતમાં ફક્ત મજબૂત પકડ બનાવી રાખી અને ટ્રિસ્બન સ્ટબ્સને એટેક કરવા દીધો. સ્ટબ્સે માત્ર 22 બોલમાં 33 રન બનાવીને ટીમને મેચમાં જાળવી રાખી. પરંતુ વિપરાજ નિગમે મેચનો માર્ગ બદલી નાખ્યો. આ 20 વર્ષીય સ્પિન ઓલરાઉન્ડરે પોતાની પહેલી જ મેચમાં ધૂમ મચાવી દીધી. તેને માત્ર 15 બોલમાં 39 રન બનાવીને દિલ્હીની વાપસી કરી. આનાથી આશુતોષને પણ પ્રોત્સાહન મળ્યું અને પછી આ બેટ્સમેને છગ્ગાનો વરસાદ કર્યો. દિલ્હીને છેલ્લી 3 ઓવરમાં 39 રનની જરૂર હતી અને આશુતોષે જોરદાર ધૂમ મચાવી દીધી.
19મી ઓવરમાં 9મી વિકેટ પડી અને પછી 9 બોલમાં 18 રનની જરૂર હતી. આ પરિસ્થિતિમાં, આશુતોષે 19મી ઓવરનો અંત એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકાર્યો. 20મી ઓવરના પહેલા બોલ પર રિષભ પંતે સ્ટમ્પિંગની તક ગુમાવી દીધી અને પછી મોહિત શર્માએ બીજા બોલ પર 1 રન લીધો. આ પરિસ્થિતિમાં, આશુતોષ સ્ટ્રાઈક પર આવ્યો અને જીત માટે 5 રનની જરૂર હતી. આશુતોષે સીધો છગ્ગો ફટકારીને મેચનો અંત કર્યો.


