ડેનમાર્કની રાજધાની કોપનહેગન અને આર્હુસ શહેરમાં સેંકડો વિરોધીઓએ યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સના ગ્રીનલેન્ડ અંગેના તાજેતરના નિવેદનો અને પગલાં સામે વિરોધ કર્યો હતો. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ અને તેમના યુએસ ડેલિગેશન દ્વારા ગ્રીનલેન્ડના ઉત્તર-પશ્ચિમ ભાગમાં સ્થિત પિટુફિક સ્પેસ બેઝ (અગાઉ થુલે બેઝથી ઓળખાતુ)ની મુલાકાત લીધાના એક દિવસ બાદ શનિવારે આ પ્રદર્શન થયું હતું. આ દરમિયાન વેન્સે ડેનમાર્ક પર ગ્રીનલેન્ડની સુરક્ષા અથવા ત્યાંના લોકોના કલ્યાણને લઈને પૂરતા પગલા ન લેવાનો આરોપ લગાવ્યો હતો.
કોપનહેગનમાં, મોજેન્સ લિકેટોફ્ટ, અગ્રણી ડેનિશ રાજકારણી કે જેઓ ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને યુએન જનરલ એસેમ્બલીના ભૂતપૂર્વ પ્રમુખ છે, તેમણે પ્રદર્શનકારીઓને સંબોધતા કહ્યું, ‘આપણે યુનાઈટેડ નેશન્સમાં આપણો કેસ રજૂ કરવો જોઈએ, જ્યાં તે નિશ્ચિત છે કે ગ્રીનલેન્ડ સામે યુએસની આક્રમકતાને મોટાભાગના દેશો દ્વારા વખોડવામાં આવશે, અને પછી ગ્રીનલેન્ડ માટે 70 ટકા અમેરિકનોને સમર્થન માટે અપીલ કરવી જોઈએ. આપણે ક્યારેય હાર ન માનવી જોઈએ. ત્યારે ભીડે ગ્રીનલેન્ડિક અને ડેનિશ ભાષામાં ‘ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી.’ તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
અમેરિકાએ કરારની યાદ અપાવી
ડેનિશના વિદેશ પ્રધાન લાર્સ લોકે રાસમુસેને ટ્રમ્પ વહીવટીતંત્રની ટીકા કરી હતી, ખાસ કરીને ડેનમાર્ક અને ગ્રીનલેન્ડની જે સ્વરમાં ટીકા કરાઇ હતી. તેમણે કહ્યું, ‘ઘણા આરોપો લગાવવામાં આવ્યા છે અને અમે ટીકા માટે ખુલ્લા છીએ, પરંતુ હું સંપૂર્ણ પ્રમાણિક રહીશ. અમને એ ટોન પસંદ નથી, જે રીતે તે વ્યક્ત કરવામાં આવ્યો છે. તમે તમારા નજીકના સહયોગીઓ સાથે આ પ્રકારની વાત કરો છો તે યોગ્ય નથી અને હું હજુ પણ ડેનમાર્ક અને અમેરિકાને નજીકના સાથી ગણું છું.
તેમના વિડિયો સંદેશમાં રાસમુસેને એ પણ યાદ અપાવ્યું કે 1951માં ડેનમાર્ક અને અમેરિકા વચ્ચે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર થયા હતા. તેમણે કહ્યું, ‘આ કરાર યુનાઇટેડ સ્ટેટ્સને ગ્રીનલેન્ડમાં વધુ મજબૂત સૈન્ય હાજરી બનાવવાની પૂરતી તક આપે છે, જો તમારી ઈચ્છા હોય, તો અમે તેના પર ચર્ચા કરી શકીએ છીએ.’ વધુમાં, રાસમુસેને એ પણ નોંધ્યું કે ડેનમાર્કે આર્કટિક સંરક્ષણમાં તેનું રોકાણ વધાર્યું છે અને જાન્યુઆરીમાં ડેનમાર્કે આર્ક્ટિક સુરક્ષા માટે 14.6 બિલિયન ડેનિશ ક્રોનર (1.9 બિલિયન યુરો)ના રોકાણની જાહેરાત કરી હતી, જેમાં ત્રણ નવા નૌકા જહાજો, લાંબા અંતરના ડ્રોન અને ઉપગ્રહોનો સમાવેશ થાય છે. સામેલ હતા.
ગ્રીનલેન્ડમાં વેન્સે શું કહ્યું?
આરહુસમાં દેખાવકારોએ પણ અમેરિકન કાર્યવાહીનો વિરોધ કર્યો અને ગ્રીનલેન્ડની સ્વાયત્તતાના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો. ગ્રીનલેન્ડ, જે અગાઉ ડેનમાર્કની વસાહત હતી, તે 1953માં ડેનમાર્કના રાજ્યનો ભાગ બની હતી અને 1979માં તેણે ગૃહ શાસન મેળવ્યું હતું, તેને સ્વાયત્તતામાં વધારો થયો હતો, જોકે ડેનમાર્ક હજુ પણ તેની વિદેશ નીતિ અને સંરક્ષણ પર નિયંત્રણ જાળવી રાખે છે.
પીટુફિક સ્પેસ બેઝની મુલાકાત દરમિયાન, વેન્સે યુએસ સૈનિકોને કહ્યું કે ડેનમાર્કે ગ્રીનલેન્ડની સુરક્ષામાં “ઓછું રોકાણ” કર્યું છે અને કોપનહેગન તેની નીતિમાં ફેરફાર કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે કારણ કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડને જોડવાની ધમકી આપી છે. વેન્સે કહ્યું, ‘ગ્રીનલેન્ડની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમારી પાસે નિર્ણાયક સ્થિતિ લેવા સિવાય કોઈ વિકલ્પ નથી અને મને લાગે છે કે તેઓ આખરે યુએસ સાથે ભાગીદારી કરશે. અમે તેમને વધુ સુરક્ષિત બનાવી શકીએ છીએ. અમે સુરક્ષા અને આર્થિક દૃષ્ટિકોણથી પણ તેમનું ઘણું સારું કરી શકીએ છીએ.


