વિશ્વની નંબર એક મહિલા ટેનિસ ખેલાડી આર્યના સબાલેન્કાએ અમેરિકાની જેસિકા પેગુલાને 7-5, 6-2થી સીધા સેટમાં પરાજય આપીને પોતાની કેરિયરનું પહેલું મિયામી ઓપન ટાઇટલ કબજે કર્યુ છે.
હાર્ડ રોક સ્ટેડિયમ ખાતે શનિવારે રમાયેલી આ WTA 1000 ઇવેન્ટની ફાઇનલમાં જીતની સાથે જ સબાલેન્કાએ વર્ષ 2025નું પોતાનું બીજું ટાઇટલ જીત્યું છે. આ પહેલા તે જાન્યુઆરીમાં બ્રિસબેન ઓપનમાં વિજયી બની હતી. આ જીતની સાથે જ આર્યનાએ પોતાનું આઠમું WTA 1000 ટાઇટલ જીત્યુ હતું. હજુ તાજેતરમાં જ ઇન્ડિયન વેલ્સની ફાઇનલમાં રશિયાની સગીર ખેલાડી મિરા એન્દ્રીવા સામે પરાજીત થનારી આર્યનાએ આ મેચમાં પોતાની મક્કમતાનો પરચો આપ્યો હતો અને ઇન્ડિયન વેલ્સની ફાઇનલ જેવી ભૂલોનું પુનરાવર્તન થવા દીધું નહોતું.
મેચ બાદ જેસિકા પેગુલાના પ્રદર્શનની પ્રશંસા કરતા સબાલેન્કાએ કહ્યું હતું કે, હું આ ટ્રોફી જીતવા બદલ ખુબ જ ખુશ છું અને હું ફાઇનલમાં મારી શ્રેષ્ઠ રમત બતાવી શકી હતી. મેચના પહેલા સેટમાં બંને ખેલાડીઓ વચ્ચે સાત સર્વિસ બ્રેક જોવા મળી હતી. પેગુલાએ સબાલેન્કાને નેટની આસપાસ રમવા મજબૂર કરી હતી પરંતુ 6-5ના સ્કોર પર પેગુલાની સર્વિસ વખતે મેચનું પાસું પલટાયું હતું અને તેણે શાનદાર રમતના પ્રદર્શન વડે પહેલો સેટ 7-5થી જીતી લીધો હતો અને બીજા સેટમાં પણ તેણે 6-2થી જીત મેળવી મેચ અને ટ્રોફી બંને પોતાના નામે કર્યા હતા.


