1 એપ્રિલના રોજ, IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. એકાના સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, લખનૌની ટીમે પ્રથમ બેટિંગ કરી અને સ્કોરબોર્ડ પર 171 રન બનાવ્યા.
રિષભ પંત, મિચેલ માર્શ અને ડેવિડ મિલર જેવા ફેમસ બેટ્સમેન મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયા. આ દરમિયાન, નિકોલસ પૂરને 30 બોલમાં 44 રનની ઈનિંગ રમી અને એક સમયે તે લખનૌની ટીમને મોટા સ્કોર તરફ દોરી રહ્યો હતો, પરંતુ યુઝવેન્દ્ર ચહલે તેને આઉટ કર્યો.
યુઝવેન્દ્ર ચહલ બોલ્યો અપશબ્દ
માર્કસ સ્ટોઈનિસ દ્વારા ફેંકાયેલી 11મી ઓવરમાં નિકોલસ પૂરને એક ચોગ્ગો અને એક જોરદાર છગ્ગો ફટકાર્યો. પરંતુ તેને ખબર ન હતી કે બીજી જ ઓવરમાં યુઝવેન્દ્ર ચહલ તેના પર હાવી થઈ જશે. 12મી ઓવરના બીજા બોલ પર, પૂરને મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ હવામાં ગયો. ગ્લેન મેક્સવેલે પૂરનનો કેચ પકડીને તેને આઉટ કર્યો. મેક્સવેલે કેચ લીધા પછી જ્યારે કેમેરા ચહલ તરફ ફર્યો, ત્યારે તે નિકોલસ પૂરનને અપશબ્દ બોલતો જોવા મળ્યો.
પંજાબ માટે ચહલની પહેલી વિકેટ
IPL 2025 માં, યુઝવેન્દ્ર ચહલે પંજાબ કિંગ્સ માટે ડેબ્યૂ કર્યું છે. ચહલ પહેલી મેચમાં એટલે કે ગુજરાત ટાઈટન્સ સામે કોઈ વિકેટ લઈ શક્યો ન હતો, પરંતુ લખનૌ સામે તેને નિકોલસ પૂરનને આઉટ કર્યો. ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં પંજાબ તરફથી રમતા ચહલની આ પહેલી વિકેટ છે.
યુઝવેન્દ્ર ચહલ આઈપીએલના ઈતિહાસમાં સૌથી સફળ બોલર છે અને આ લીગના ઈતિહાસમાં 200 કે તેથી વધુ વિકેટ લેનાર એકમાત્ર બોલર છે. ચહલે તેના IPL કરિયરમાં અત્યાર સુધીમાં 206 વિકેટ લીધી છે. ચહલે RCB તરફથી રમતી વખતે 139 વિકેટ અને રાજસ્થાન રોયલ્સ તરફથી રમતી વખતે 66 વિકેટ લીધી હતી.


