ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર દેશના સૌથી ધનિક ક્રિકેટરોમાં સામેલ છે. તેમને દેશમાં ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે. સચિનને કારણે, તેના પરિવારને પણ આ રમત સાથે ખાસ સંબંધ છે. તેમનો દીકરો અર્જુન તેંડુલકર ક્રિકેટ રમે છે અને તેમની દીકરી સારા પણ હવે આ દુનિયામાં પ્રવેશી ચૂકી છે. સારા તેંડુલકરે એક ક્રિકેટ ટીમ ખરીદી છે.
સારા તેંડુલકરે ખરીદી ટીમ
સારા તેંડુલકરે ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી કે તેને મુંબઈમાં એક ક્રિકેટ ટીમ ખરીદી છે. સારાએ ગ્લોબલ ઈ-ક્રિકેટ પ્રીમિયર લીગમાં મુંબઈ ફ્રેન્ચાઈઝી ખરીદી છે. લીગે આની જાહેરાત કરી. સારાએ ટીમ માલિક બનવા પાછળનું કારણ પણ સમજાવ્યું.
મુંબઈ અને ક્રિકેટના પ્રેમ માટે લેવાયો નિર્ણય
સારા તેંડુલકરે કહ્યું કે ‘ક્રિકેટ મારા અને મારા પરિવારનો એક મહત્વપૂર્ણ ભાગ છે.’ ઈ-સ્પોર્ટ્સમાં તેની સંભાવના ખૂબ જ રોમાંચક છે. મુંબઈ ફ્રેન્ચાઈઝીનું માલિકીપણું એક સ્વપ્ન સાકાર થવા જેવું છે, જ્યાં રમત અને આ શહેર પ્રત્યેનો મારો પ્રેમ એક સાથે આવશે. આવી પ્રતિભાશાળી ટીમ સાથે જોડાવા બદલ હું ઉત્સાહિત છું. અમે આ ફ્રેન્ચાઈઝી એવી રીતે બનાવીશું કે તે લોકોને પ્રેરણા અને મનોરંજન આપે.
વિશ્વની સૌથી મોટી ઈ-ક્રિકેટ લીગ
GEPL ને વિશ્વની સૌથી મોટી ઈ-ક્રિકેટ લીગમાંની એક ગણવામાં આવે છે. આ લીગની બીજી સીઝન વર્ષ 2025 માં યોજાશે. તમને જણાવી દઈએ કે આ લીગ રીયલ ક્રિકેટ એપ પર રમાય છે, જેને ઈન્ટરનેટ પર 30 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.
GEPLના CEO અને લીગ કમિશનર રોહિત પોટફોડેએ જણાવ્યું હતું કે, “સારા તેંડુલકરનું મુંબઈ ફ્રેન્ચાઈઝના માલિક તરીકે જોડાવું એ GEPL માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. તેની હાજરી અને ફેન્સ સાથે મજબૂત જોડાણ નિઃશંકપણે લીગનું કદ વધારશે.”
STFની ડાયરેક્ટર પણ છે સારા તેંડુલકર
સારાએ લંડનની યુનિવર્સિટી કોલેજમાંથી ક્લિનિકલ અને પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. થોડા સમય પહેલા, સારા તેંડુલકરને સચિન તેંડુલકર ફાઉન્ડેશન (STF) ના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. આ ફાઉન્ડેશન હેઠળ, તે ગરીબ બાળકોને શિક્ષણ, આરોગ્ય અને રમતગમત સાથે જોડવાનું કામ કરે છે.


