અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ખૂબ મોટો આર્થિક ઝટકો આપ્યો છે. ચીનના ઉત્પાદનો પર 125 ટકા આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરી છે છે. અગાઉ અમેરિકાએ આ દર વધારીને 104 ટકા કર્યો હતો. આ પછી ચીને પણ અમેરિકાથી આવતા ઉત્પાદનો પર ડ્યુટી વધારીને 84 ટકા કરી દીધી. ટ્રમ્પે ‘પારસ્પરિક ટેરિફ’ પર 90 દિવસની છૂટની જાહેરાત કરીને ભારત સહિત 75 દેશોને મોટી રાહત આપી છે. આ સમયગાળા દરમિયાન આ દેશો પર ફક્ત 10 ટકા ડ્યુટી લાગુ પડશે.
હાલમાં જ્યારે વિશ્વના અનેક મોટા દેશો વચ્ચે ટ્રેડ વોર ચરમસીમાએ અને વૈશ્વિક મંદીની આશંકા વધી છે ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક તરફ ટ્રમ્પના આ નિર્ણયને ચીન પર દબાણ લાવવાની રણનીતિ માનવામાં આવી રહી છે, તો બીજી તરફ ટીકાકારોનું કહેવું છે કે આ પગલું વૈશ્વિક બજારોમાં ઘટાડા અને ભારે ટીકા પછી લેવામાં આવેલ ‘યુ-ટર્ન’ છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાય 75 થી વધુ દેશોને મોટી રાહત આપી છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર કહ્યું હતું કે, “મેં 90-દિવસના PAUSEને અધિકૃત કર્યો છે, જે દરમિયાન અન્ય દેશો માટે પારસ્પરિક ટેરિફ ઘટાડીને 10 ટકા કરવામાં આવ્યો છે, જે તાત્કાલિક લાગુ થશે. ટ્રમ્પે ચીનથી આયાત થતા માલ પર તાત્કાલિક અસરથી 125 ટકા ટેરિફ લાદવાની પણ જાહેરાત કરી છે.
ટ્રમ્પે 75 થી વધુ દેશોને આપી રાહત
ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના 75થી વધુ દેશો માટે 90 દિવસની ટેરિફ માફીની પણ જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે આ દેશોએ વેપાર અને ચલણની હેરાફેરી જેવા મુદ્દાઓ પર યુએસ વાણિજ્ય વિભાગ, ટ્રેઝરી અને યુએસટીઆર સાથે વાતચીત શરૂ કરી છે. આગામી 90 દિવસ માટે આ દેશો સાથેના વેપાર પર ફક્ત 10 ટકા પારસ્પરિક ટેરિફ લાદવામાં આવશે.
ચીને 84 ટકા ટેરિફ લાદ્યો હતો
અમેરિકાએ એક દિવસ પહેલા ચીન પર 105 ટકાનો ટેરિફ લાદ્યો હતો, જેનો ચીને પણ એ જ સ્વરમાં જવાબ આપ્યો હતો. ચીને બુધવારે (9 એપ્રિલ) અમેરિકા પર 84 ટકા ટેરિફ લાદવાની પણ જાહેરાત કરી હતી. ચીનના નાણા મંત્રાલયે કહ્યું છે કે આ વધારાના ટેરિફ 10 એપ્રિલથી અમેરિકન માલ પર લાગુ થશે. ચીનના વાણિજ્ય મંત્રાલયે પણ 12 અમેરિકન સંસ્થાઓને તેની નિકાસ નિયંત્રણ સૂચિમાં મૂકીને અમેરિકાને જવાબ આપ્યો છે.


