IPL 2025 માં પણ હારનો સિલસિલો ચાલુ રહ્યો. ટીમને KKR સામે સતત 5મી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ચેપોક ખાતે CSK ફક્ત 103 રન બનાવી શક્યા. તેની સામે, KKR એ એક તરફી 8 વિકેટથી મેચ જીતી લીધી. સુનીલ નારાયણ (3 વિકેટ), હર્ષિત રાણા (2 વિકેટ) અને વરુણ ચક્રવર્તી (2 વિકેટ) ની ત્રિપુટી સામે ચેન્નાઈના બેટ્સમેન ખરાબ રીતે નિષ્ફળ ગયા. ટીમ તરફથી શિવમ દુબે (અણનમ 31) અને વિજય શંકર (29) સૌથી વધુ રન બનાવ્યા. KKR માટે સુનીલ નારાયણે બેટિંગમાં ચમકીને તોફાની રીતે જીતનો પાયો નાખ્યો. તેણે 44 રન બનાવ્યા.
નિયમિત કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાના કારણે બાકીની ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હોવાથી સીએસકેનું નેતૃત્વ મહેન્દ્ર સિંહ ધોની કરી રહ્યા છે. ધોની આ સિઝનમાં પહેલી વાર ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. આ સિઝનમાં બંને ટીમોનું પરફોમન્સ અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી. ચેન્નાઈ સુપર કિંગ્સને 6 મેચમાં ફક્ત એક જ જીત મળી છે.
104 રનના નાના લક્ષ્યાંકનો પીછો કરતા KKRના ઓપનર ક્વિન્ટન ડી કોક અને સુનીલ નારાયણે પ્રથમ વિકેટ માટે માત્ર 4 ઓવરમાં 46 રનની ભાગીદારી કરી હતી. ડી કોક 16 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો, જેમાં તેણે 3 છગ્ગા ફટકાર્યા હતા. બીજી વિકેટ 8મી ઓવરમાં સુનીલ નારાયણના રૂપમાં પડી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેણે પોતાનું કામ કરી દીધું હતું. નરેને માત્ર 18 બોલમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 44 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.
આ મેચમાં KKRના બોલરોએ પણ કમાલનું પ્રદર્શન કર્યું હતું. સુનીલ નરેને 3 વિકેટ લીધી હતી, જ્યારે વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાએ 2-2 વિકેટ પોતાના નામે કરી હતી. વૈભવ અરોરા અને મોઈન અલીને પણ એક-એક સફળતા મળી હતી. એક સમયે CSKએ 79 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ શિવમ દુબેની અણનમ 31 રનની ઇનિંગના કારણે તેઓ 100 રનનો આંકડો પાર કરી શક્યા હતા.


