અમેરિકાના મિશિગન રાજ્યની પબ્લિક યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા 4 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ અમેરિકામાંથી સંભવિત દેશનિકાલ સામે ફેડરલ કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. આમાંથી એક વિદ્યાર્થી ભારતનો છે, જ્યારે બે વિદ્યાર્થી ચીનના છે અને એક નેપાળનો છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમના વિદ્યાર્થી વિઝા સ્ટેટસને કોઈ સ્પષ્ટ કારણ અને સૂચના વગર જ અચાનક સમાપ્ત કરી દેવામાં આવ્યું છે. અમેરિકન ડિપોર્ટ નીતિઓની કડકતાને કારણે આ મુદ્દો સામે આવ્યો છે, જે વિદેશી વિદ્યાર્થીઓના ભવિષ્યને અસર કરી શકે છે.
ઈમિગ્રેશન અધિકારીઓ સામે કેસ દાખલ કર્યો
ભારતના ચિન્મય દેવરે, ચીનના ઝિયાંગ્યુન બુ અને કિયુયી યાંગે અને નેપાળના યોગેશ જોશીએ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) અને ઈમિગ્રેશન અધિકારીઓ સામે આ કેસ દાખલ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર ઈન્ફર્મેશન સિસ્ટમ (SEVIS)માં તેમનું F-1 વિઝાનું સ્ટેટસ પૂર્વ સૂચના અને પૂરતા કારણ વગર સમાપ્ત કરી દેવામાં આવ્યું છે, તેમ છતાં તેમણે કોઈ કાયદો તોડ્યો ન હતો કે કોઈ રાજકીય વિરોધમાં ભાગ લીધો ન હતો.
વિદ્યાર્થીઓએ કોર્ટમાં કરી અપીલ
આ વિદ્યાર્થીઓ વતી મિશિગનના અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન (ACLU)એ કટોકટી રાહત માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં કોર્ટને વિદ્યાર્થીઓના વિઝા સ્ટેટસને પુનઃસ્થાપિત કરવાની વિનંતી કરવામાં આવી છે, જેથી તેઓ તેમનો અભ્યાસ પૂર્ણ કરી શકે અને દેશનિકાલના ભયથી બચી શકે. ACLUના એટર્ની રામિસ વદુદે જણાવ્યું હતું કે સરકારનું આ પગલું માત્ર ગેરકાયદેસર જ નથી પણ મિશિગન અને યુએસમાં ઉચ્ચ શિક્ષણની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડે છે.
આ આરોપો કેસમાં લગાવવામાં આવ્યા
કેસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે DHS દ્વારા આ વિદ્યાર્થીઓ અથવા તેમની સંસ્થાઓને તેમના વિઝા રદ કરવા માટે કોઈ નક્કર કારણ આપવામાં આવ્યું ન હતું. ફક્ત એટલું જ કહેવામાં આવ્યું હતું કે આ વિદ્યાર્થીઓએ એક યા બીજા સમયે કોઈ અમેરિકન કાયદા અમલીકરણ એજન્સીનો સામનો કર્યો હતો. પાર્કિંગ ટિકિટ હોય, સ્પીડની ચેતવણી હોય કે પછી યુએસમાં પ્રવેશની કાનૂની પ્રક્રિયાથી ભટકવું હોય, આ આધારો પર તેમનું સ્ટેટસ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓના મતે તેમની સામે કોઈ ફોજદારી કેસ નોંધાયેલો નથી કે કોઈ વિઝા નિયમોનું ઉલ્લંઘન થયું નથી. આમ છતાં કોઈપણ પૂર્વ ચેતવણી વિના તેમને સિસ્ટમમાંથી દૂર કરવાથી તેમના શિક્ષણ અને ભવિષ્ય માટે ગંભીર ખતરો ઉભો થઈ શકે છે. ચિન્મય દેવરે અને તેના મિત્રોને આશા છે કે કોર્ટ તેમને ન્યાય આપશે અને તેઓ અમેરિકામાં પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકશે.


