અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ, જે.ડી. વાન્સ આગામી 21થી 24 એપ્રિલ દરમિયાન ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવશે. તેમની સાથે તેમના પત્ની ઉષા વાન્સ, તેમના બાળકો અને યુએસ વહીવટીતંત્રના વરિષ્ઠ સભ્યો પણ ભારતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ 21 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ અને તેમનું પ્રતિનિધિમંડળ દિલ્હીમાં અન્ય કાર્યક્રમોમાં ભાગ લેશે અને 24 એપ્રિલે વોશિંગ્ટન, ડી.સી. જતા પહેલા જયપુર અને આગ્રાની મુલાકાત પણ લેશે.
ભારત મુલાકાતનો શું છે મુખ્ય એજન્ડા?
સૂત્રોના જણાવ્યા મુજબ વોલ્ટ્ઝની મુલાકાતના એજન્ડામાં એક મુખ્ય મુદ્દો ટ્રસ્ટ પહેલ છે. ફેબ્રુઆરીમાં વોશિંગ્ટનમાં ટ્રમ્પ અને મોદી વચ્ચે થયેલી બેઠકમાં તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઈનિશિયેટિવ ઓન એસેન્શિયલ એન્ડ ઈમર્જિંગ ટેક્નોલોજીસ (ICET)નું નવું સંસ્કરણ છે. આ ટ્રસ્ટ ભારત અને યુનાઈટેડ સ્ટેટ્સની સરકારો, શિક્ષણવિદો અને ખાનગી ક્ષેત્રો વચ્ચે સંરક્ષણ, કૃત્રિમ બુદ્ધિમત્તા, સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, બાયોટેકનોલોજી, ઊર્જા અને અવકાશ જેવા ક્ષેત્રોમાં ઉભરતી તકનીકો પર સહયોગ અને સંવેદનશીલ તકનીકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ICETની જેમ ટ્રસ્ટનું નેતૃત્વ બંને પક્ષોના NSA દ્વારા કરવામાં આવે છે અને આ બેઠક ભારત અને અમેરિકા માટે સંરક્ષણ અને મહત્વપૂર્ણ ટેકનોલોજી પર વિવિધ પહેલોનો અભ્યાસ કરવાની તક હશે, જેમાં નિકાસ નિયંત્રણોનું નિરાકરણ, નિયમનકારી અવરોધો ઘટાડવા અને વિશ્વસનીય પુરવઠા શૃંખલા બનાવવાનો સમાવેશ થાય છે. વાન્સની સાથે તેમની ભારતીય મૂળની પત્ની ઉષા પણ દિલ્હી આવશે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી અને જેડી વાન્સ વચ્ચે ટેરિફ પર પણ ચર્ચા થઈ શકે છે.


