અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સી CIAને સોવિયત સંઘની સુરક્ષા એજન્સી કેજીબીનો એક રિપોર્ટ મળ્યો છે, જે વાઇરલ થઈ રહ્યો છે. 250 પાનાંના આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે યૂક્રેનમાં ટ્રેનિંગ દરમિયાન સોવિયત સૈનિકોની એલિયન્સ સાથે અથડામણ થઈ હતી, ત્યાર બાદ એલિયન્સે 23 સૈનિકોને પથ્થર બનાવી દીધા. આ રિપોર્ટમાં કાયદેસર તાજના સાક્ષીઓનાં નિવેદનો અને ઘટના પછીની તસવીરો સામેલ છે. આ દસ્તાવેજ 2000માં સાર્વજનિક કરાયો હતો.
અમેરિકન મીડિયાના રિપોર્ટ અનુસાર, સીઆઇએ દસ્તાવેજોમાં એક અમેરિકન એજન્ટે આ ઘટનાને અલૌકિક પ્રાણીઓ દ્વારા લોહી થીજવી દેનારી તસવીર તરીકે નોંધી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે યૂક્રેનમાં ટ્રેનિંગ દરમિયાન સોવિયત સૈનિકોએ એક રકાબી આકારની, ઓછી ઊંચાઈએ ઊડતી સ્પેસશિપ એટલે કે યુએફઓ જોઈ. જોતાં જ સોવિયત સેનાના એક જવાને જમીન પરથી એક મિસાઇલ છોડી, જે યુએફઓ સાથે ટકરાઈ અને તે જમીન પર પડી ગયું.
રિપોર્ટમાં કહેવાયું છે કે, યુએફઓ જમીન પર પડયા પછી તેમાંથી મોટી કાળી આંખોવાળા પાંચ નાના માનવ નીકળ્યા. પોતાના નષ્ટ યાનના કાટમાળમાંથી બચી નીકળ્યા બાદ આ પ્રાણી એકઠા થયા અને એક વસ્તુમાં વિલીન થઈ ગયા જેણે ગોળાકાર ધારણ કર્યો. થોડી સેકંડમાં ગોળો મોટો થતો ગયો અને ખૂબ રોશની સાથે ફાટી ગયો. તે જ ક્ષણે આ ઘટના નજરે જોનારા 23 સૈનિકો પથ્થરના થાંભલા બની ગયા.
છાયામાં ઊભેલા બે સૈનિકો બચી ગયા હતા
રિપોર્ટમાં કહેવાયું છે કે આ ઘટનામાં માત્ર બે સૈનિકો જ બચી શક્યા. જેઓ છાયામાં ઊભા હતા અને વિસ્ફોટના પ્રભાવમાં ઓછા આવ્યા હતા. સીઆઇએના રિપોર્ટમાં જણાવાયું કે કેજીબીએ કથિત રીતે સૈનિકોને અને નષ્ટ સ્પેસશિપને પોતાના કબજામાં લઈ લીધાં. તેને મોસ્કોના એક સિક્રેટ થાણામાં લઈ જવાયાં. ત્યાર બાદ સોવિયત વૈજ્ઞાનિકોએ જોયું કે રોશની ભલે જેવી હોય તેવી, તેણે કોઈક રીતે સૈનિકની જીવિત કોશિકાઓને એક એવા પદાર્થમાં બદલી નાખી જે ચૂનાના પથ્થર જેવો હતો.


