અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ (જવાબી) ટેરિફથી પરેશાન ચીન હવે અમેરિકા આગળ કરગરવા લાગ્યું છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે અમેરિકામાં આયાત થતા તમામ ચીની માલસામાન પર રેસિપ્રોકલ ટેરિફ હટાવવા અપીલ કરી છે. ટ્રમ્પે તાજેતરમાં જ લેપટોપ અને સ્માર્ટફોન સહિત ઘણા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને ટેરિફમાંથી છૂટ આપવાનું નક્કી કર્યું હતું.
ચીને જણાવ્યું છે કે અમેરિકાએ પોતાની ભૂલ સુધારી લેવી જોઇએ. તેણે રેસિપ્રોકલ ટેરિફ પાછા ખેંચવા જોઇએ. તેણે ફરી એકવાર પરસ્પર સન્માનના માર્ગ પર પાછા ફરવાની જરૂર છે. ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે વાઘના ગળે ઘંટ જેણે બાંધ્યો છે તે ખોલી પણ શકે છે. તે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ જ આ ટેરિફ વૉર ખતમ કરી શકે છે. ચીને જણાવ્યું કે હજુ પણ ઘણા ચીની માલસામાન ઉપર 145 ટકા ટેરિફ છે. શુક્રવારે ચીને પણ અમેરિકાથી આયાત થતા માલસામાન ઉપરના ટેરિફ 84 ટકાથી વધારીને 125 ટકા કરી દીધા હતા.
ચીન અન્ય દેશોને પણ અમેરિકી ટેરિફ વિરુદ્ધ અવાજ ઊઠાવવા અપીલ કરી રહ્યું છે. તેનું કહેવું છે કે અમેરિકા એકતરફી આર્થિક તાનાશાહી કરી રહ્યું છે. શુક્રવારે ચીને કહ્યું હતું કે અમેરિકા સામેના ટ્રેડ વૉરમાં તેની જીત થશે. જો અમેરિકા ટેરિફની નંબર ગેમ રમશે તો ચીન તેના પર ધ્યાન નહીં આપે પણ જો અમેરિકા ચીનના હિતો પર સીધો હુમલો કરશે તો તેનો જવાબ આપવો ચીન માટે જરૂરી બનશે. નોંધનીય છે કે અમેરિકાએ ચીન સિવાયના મોટાભાગના દેશો પર નાખેલા જવાબી ટેરિફ 90 દિવસ માટે મુલતવી રાખ્યા છે જ્યારે ચીની માલસામાન પર અમેરિકાએ 145 ટકા ટેરિફ નાખ્યા છે. જોકે વિશ્વના ટોચના બે અર્થતંત્રો વચ્ચેની આ લડાઇમાં ચીને વાટાઘાટો માટે પોતાના દ્વાર ખુલ્લા રાખ્યા છે.


