IPL 2025 ની 38મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 9 વિકેટથી હરાવ્યું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં, CSK ખેલાડીઓ એક નવા સ્વરૂપમાં દેખાયા. આ જોઈને ફેન્સ દંગ રહી ગયા.
ચેન્નાઈ સુપર કિંગ્સના બધા ખેલાડીઓ બીજી ઈનિંગ દરમિયાન કાળી પટ્ટી પહેરીને મેદાનમાં આવ્યા હતા. જે બાદ લોકોના મનમાં સવાલો ઉભા થવા લાગ્યા કે એવું શું થયું કે CSK ખેલાડીઓએ હાથ પર કાળી પટ્ટી બાંધી દીધી. આ વિશે પહેલા કોઈને કોઈ માહિતી મળી ન હતી. મેચ પછી ખબર પડી કે ચેન્નાઈ સુપર કિંગ્સના એક મોટા ખેલાડીના પિતાનું અવસાન થયું છે.
ડેવોન કોનવેના પિતાનું થયું અવસાન
મેચ પછીના પ્રેઝન્ટેશન સમારોહ દરમિયાન, હર્ષા ભોગલેએ તેમને સાંત્વના આપવા માટે ડેવોન કોનવેનું નામ લીધું. તમને જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડના મજબૂત ખેલાડી ડેવોન કોનવેના પિતાનું અવસાન થયું છે. તે આ મેચમાં પણ રમ્યો ન હતો. સાંત્વના આપ્યા પછી, હર્ષા ભોગલેએ પ્રઝેન્ટેશન સેરેમની શરૂ કરી.
ડેવોન કોનવેને હવે ન્યુઝીલેન્ડ પાછા જવું પડી શકે છે. પિતાના મૃત્યુ પછી, તેને તેના પરિવારના સભ્યો સાથે રહેવું પડશે. ચેન્નાઈ સુપર કિંગ્સે આ સમાચાર તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. તેને માહિતી આપી છે કે લેફ્ટ બેટ્સમેન ડેવોન કોનવેના પિતાનું અવસાન થયું છે. આ મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવાર સાથે ઉભા છીએ.
KKR સામે રમી હતી છેલ્લી મેચ
કોનવેએ ટીમ માટે પોતાની છેલ્લી મેચ 11 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમી હતી. ચેપોક ગ્રાઉન્ડ પર રમાયેલી તે મેચ પછી કોનવે ટીમના પ્લેઈંગ ઈલેવનમાં જોવા મળ્યો નથી. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચની વાત કરીએ તો, વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં MI એ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને મુંબઈ ઈન્ડિયન્સ સામે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ લક્ષ્યનો પીછો કરતા, મુંબઈ ઈન્ડિયન્સે 26 બોલ અને 9 વિકેટ બાકી રહેતા જીત મેળવી લીધી.


