યુનાઇટેડ સ્ટેટ્સ અને યુક્રેને 30 એપ્રિલના રોજ એક મહત્વપૂર્ણ ખનિજ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જે યુક્રેનના દુર્લભ ખનિજો, જેમ કે લિથિયમ અને ગ્રેફાઇટ સુધી યુએસને વિશેષ પ્રવેશ આપશે. પરંતુ આ સોદાના થોડા કલાકો પછી, રશિયાએ યુક્રેનિયન શહેર ઓડેસા પર મોટો ડ્રોન હુમલો કર્યો. આ હુમલામાં બે લોકોના મોત થયા હતા અને 15 થી વધુ લોકો ઘાયલ થયા હતા. રશિયાના આ પગલાને આ સોદા સામેના પ્રતિભાવ તરીકે જોવામાં આવી રહ્યું છે.
ટ્રમ્પના એક્શન સામે રશિયા રોષે ભરાયુ
યુક્રેનની વાયુસેનાએ જણાવ્યું હતું કે રશિયાએ ગુરુવારે રાત્રે થયેલા હુમલામાં પાંચ યુક્રેનિયન પ્રદેશોમાં 170 વિસ્ફોટક ડ્રોન અને શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો. વાયુસેનાએ જણાવ્યું હતું કે તેમાંથી 74ને અટકાવવામાં આવ્યા હતા અને બાકીના 68ને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા હતા. પરંતુ આ હુમલામાં ભારે નુકસાન થયું છે. મેયર ઇહોર તેરેખોવના જણાવ્યા અનુસાર, યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવના મધ્યમાં આવેલા એક પેટ્રોલ સ્ટેશનને ડ્રોન હુમલા દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. જેમાં આગ લાગી હતી. ઓડેસાના ગવર્નર ઓલેહ કિપરે જણાવ્યું હતું કે રહેણાંક ઇમારતો, એક સુપરમાર્કેટ, શાળાઓ અને કારને નુકસાન થયું છે. સોશિયલ મીડિયા ‘ટેલિગ્રામ’ પર કીપર દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં હુમલામાં બહુમાળી ઇમારતને નુકસાન, એક ધરાશાયી થયેલી દુકાન અને અગ્નિશામક દળો આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે તે દર્શાવવામાં આવ્યું છે.
યુએસ અને યુક્રેન વચ્ચે કરાર
યુનાઇટેડ સ્ટેટ્સ અને યુક્રેને બુધવારે એક ઐતિહાસિક આર્થિક કરારની જાહેરાત કરી જે યુએસ લશ્કરી અને આર્થિક સહાયના બદલામાં યુક્રેનના ખનિજ સંસાધનોની યુએસ ઍક્સેસ સુનિશ્ચિત કરશે. આ કરાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અઠવાડિયાના દબાણ બાદ આવ્યો છે. જેમાં અમેરિકાએ રશિયન આક્રમણને રોકવા માટે આપવામાં આવતી અબજો ડોલરની લશ્કરી અને આર્થિક સહાયના બદલામાં વળતરની માંગ કરી હતી. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ‘X’ પર પોસ્ટ કરેલા એક વિડિયોમાં જણાવ્યું હતું કે ‘આ ભાગીદારી યુએસને યુક્રેન સાથે રોકાણ કરવાની, યુક્રેનની વિકાસ સંપત્તિનો ઉપયોગ કરવાની અને અમેરિકન પ્રતિભા, મૂડી અને શાસન ધોરણોને એકત્ર કરવાની મંજૂરી આપે છે જે યુક્રેનના રોકાણ વાતાવરણમાં સુધારો કરશે અને યુક્રેનમાં આર્થિક સુધારાને વેગ આપશે.’


