IPL 2025માં વિરાટ કોહલીએ પોતાનું શાનદાર પ્રદર્શન યથાવત રાખ્યું છે અને બીજી એક શાનદાર ઈનિંગ ચેન્નાઈની સામે રમી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના સ્ટાર બેટ્સમેન કોહલીએ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં તોફાની અડધી સદી ફટકારી છે. કોહલીએ સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી છે. કોહલીની સારી ઈનિંગ્સથી ફેન્સમાં હરખનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે આ મેચમાં વિરાટ આઉટ થતાંની સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર ખલીલ અહેમદે જે રીતે ઉજવણી કરી તેણે તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
ચેન્નાઈ અને બેંગ્લુરુની ટીમ આમને-સામને ટકરાઈ
શનિવારે રમાયેલી IPLની 52મી મેચમાં આ ચેન્નાઈ અને બેંગ્લુરુની ટીમ આમને-સામને ટકરાઈ છે. આ સિઝનમાં બેંગલુરુ અને ચેન્નાઈ બીજી વાર આમને-સામને આવ્યા છે. આ પહેલા તેઓ સીઝનની શરૂઆતમાં ચેપોકમાં એકબીજાની સામે ટકરાઈ હતી. તે મેચમાં વિરાટ કોહલી મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો અને રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. આ દરમિયાન, ચેન્નાઈના ઝડપી બોલર ખલીલ અહેમદે કોહલી પર બાઉન્સર ફેંકીને તેને પરેશાન કર્યો અને પછી લાંબા સમય સુધી તેને જોતો રહ્યો.
કોહલીએ રમી શાનદાર ઈનિંગ, ફેન્સમાં ખુશીનો માહોલ
બેંગલુરુએ તે મેચ જીતી લીધી અને મેચ પછી કોહલીએ મજાકમાં ખલીલને કહ્યું કે તે તેને યાદ રાખશે અને આગલી વખતે તેને પાઠ ભણાવશે. આવી સ્થિતિમાં, બધાની નજર 3 મેના રોજ યોજાયેલી મેચમાં આ બંને વચ્ચેના મુકાબલા પર હતી અને કોહલીએ સ્કોર બરાબરીનો કરી દીધો. ત્રીજી ઓવરમાં વિરાટે ખલીલના સતત 2 બોલ પર 2 છગ્ગા ફટકાર્યા. ત્યારબાદ કોહલીએ તોફાની અડધી સદી ફટકારી અને ચેન્નાઈના બોલરોને ચકનાચૂર કરી દીધા હતા.
ખલીલે ગુસ્સામાં બોલ ફેંક્યો
ત્યારે બીજી તરફ ફરી એકવાર આ અથડામણમાં ક્લાઈમેક્સ જોવા મળ્યો, ઈનિંગ્સની 12મી ઓવરમાં કોહલીએ સેમ કુરનની ઓવરમાં અપર કટ રમવાનો પ્રયાસ કર્યો અને થર્ડ મેન ફિલ્ડરને સરળ કેચ આપ્યો. યોગાનુયોગ, કેચ લેનાર ફિલ્ડર ખલીલ અહેમદ હતો. બસ પછી શું. કેચ પકડતાની સાથે જ ખલીલે ગુસ્સામાં બોલ ફેંક્યો અને આક્રમક રીતે વિકેટની ઉજવણી કરી. હવે તેનો વીડિયો વાયરલ થઈ ગયો છે અને ચાહકો તેને શેર કરી રહ્યા છે અને આવતા વર્ષે બંને વચ્ચેની ટક્કરની રાહ જોઈ રહ્યા છે.


