ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં, રોમારિયો શેફર્ડે છેલ્લી બે ઓવરમાં તોફાની ઈનિંગ્સ રમીને ઈતિહાસના પાનામાં પોતાનું નામ લખાવ્યું છે. રોમારિયો શેફર્ડ આઈપીએલ 2025 માં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો છે.
રોમારિયો શેફર્ડ આઈપીએલના ઈતિહાસમાં આવું કરનાર ચોથો બેટ્સમેન બન્યો છે. ચેન્નાઈ સામેની મેચમાં શેફર્ડે 14 બોલમાં અણનમ 53 રન બનાવ્યા.
IPLમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ
IPLમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ યશસ્વી જયસ્વાલના નામે છે. તેને 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 13 બોલમાં 50 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ, પેટ કમિન્સ અને રોમારિયો શેફર્ડે 14-14 બોલમાં અડધી સદી પૂરી કરી છે. રોમારિયોએ IPLમાં 19-20 ઓવર દરમિયાન 42 બોલમાં 128 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 305 રહ્યો છે. તે બે વાર આઉટ થયો છે. તેને 13 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા છે.
રોમારિયો શેફર્ડે મચાવી ધૂમ
ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં, કેપ્ટન રજત પાટીદારના આઉટ થયા પછી રોમારિયો શેફર્ડ ક્રીઝ પર આવ્યો. તે પહેલા બે બોલમાં ફક્ત એક જ રન બનાવી શક્યો. આ પછી, તેને ખલીલ અહેમદની ઓવરમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકારીને 33 રન બનાવ્યા. તેને માત્ર 9 બોલમાં 33 રન બનાવ્યા. આ પછી, બીજી ઓવરમાં, તેને 5 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને પોતાની અડધી સદી પૂર્ણ કરી, જે ચાલુ સિઝનની સૌથી ઝડપી અડધી સદી પણ છે. શેફર્ડે 14 બોલમાં 6 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 53 રન બનાવ્યા.
બેંગ્લુરુએ ચેન્નાઈને જીત માટે આપ્યો 214 રનનો ટાર્ગેટ
જેકબ બેથેલ અને વિરાટ કોહલી પછી રોમારિયો શેફર્ડની અડધી સદીની ઈનિંગ્સના આધારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ (RCB) ચેન્નાઈ સુપર કિંગ્સને 214 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા RCB એ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા. તેના માટે, રોમારિયો શેફર્ડે છેલ્લી બે ઓવરમાં ધૂમ મચાવી દીધી. તે ફક્ત 14 બોલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર સંયુક્ત રીતે ત્રીજો બેટ્સમેન બન્યો.


