પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 37 રનથી હરાવ્યું. પંજાબની ટીમે પ્રથમ રમતા 236 રન બનાવ્યા, જેના જવાબમાં LSG ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 199 રન જ બનાવી શકી અને 37 રનથી મેચ હારી ગઈ.
પંજાબ કિંગ્સ તરફથી પ્રભસિમરને 91 રનની તોફાની ઈનિંગ્સ રમી, જ્યારે અર્શદીપ સિંહે બોલિંગમાં ધૂમ મચાવી અને 3 વિકેટ લીધી. આ જીત સાથે, પંજાબ પ્લેઓફમાં જગ્યા બનાવવાની ખૂબ નજીક પહોંચી ગયું છે.
લખનૌની ખરાબ શરૂઆત
ધર્મશાળામાં રમાયેલી આ મેચમાં, પંજાબ કિંગ્સે પ્રથમ રમતા 236 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જવાબમાં, લખનૌ ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી કારણ કે બંને ઓપનિંગ બેટ્સમેન 16 રનના સ્કોરે પેવેલિયન પરત ફર્યા હતા. એડન માર્કરામે 13 રન બનાવ્યા જ્યારે મિચેલ માર્શ પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. નિકોલસ પૂરન સતત પાંચમી મેચમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયો કારણ કે તે પંજાબ સામે માત્ર 6 રન બનાવી શક્યો.
કેપ્ટન રિષભ પંતનું ખરાબ ફોર્મ ચાલુ છે, તે 17 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. પરિસ્થિતિ એવી હતી કે લખનૌની અડધી ટીમ 73 રનના સ્કોરે પેવેલિયન પરત ફરી ગઈ હતી. ત્યારબાદ અબ્દુલ સમદ અને આયુષ બદોનીએ બાજી સંભાળી અને 81 રનની પાર્ટનરશિપ કરી, પરંતુ જ્યારે ટીમ જીત તરફ આગળ વધી રહી હતી, ત્યારે સમદ 24 બોલમાં 45 રન બનાવીને આઉટ થઈ ગયો.
લખનૌનો પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો ખૂબ જ મુશ્કેલ
આયુષ બદોની હજુ પણ ક્રીઝ પર ઊભો હતો પણ જ્યારે તેને ઝડપી ગતિએ શોટ મારવાનું શરૂ કર્યું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. તેને 40 બોલમાં 74 રનની ઈનિંગ રમી, જેમાં તેને 5 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. પરિસ્થિતિ એવી હતી કે LSG ને છેલ્લી ઓવરમાં જીતવા માટે 49 રન બનાવવાના હતા. આ મોટી હારના કારણે લખનૌનો પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે.
પંજાબની જીતમાં સૌથી મોટો ફાળો પ્રભસિમરન સિંહ અને અર્શદીપ સિંહે આપ્યો. પ્રભસિમરને બેટિંગમાં 91 રન બનાવ્યા અને પંજાબને 236 રનના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી. જ્યારે અર્શદીપ સિંહે 3 વિકેટ લીધી. આ જીત સાથે, પંજાબ 15 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગયું છે.


