ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા છે. તેમણે સોમવારે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતાના ચાહકોને નિવૃત્તિ વિશે માહિતી આપી. કોહલીએ ગયા અઠવાડિયે નિવૃત્તિ લેવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો, પરંતુ હવે તેણે તેના પર અંતિમ મહોર લગાવી દીધી છે. આ પોસ્ટના અંતે, વિરાટે 269 સાઇન ઓફ લખ્યું છે. ત્યારે આવો જાણીએ આ નંબરનો અર્થ શું છે અને તેનું વિરાટ કોહલી સાથે શું છે કનેક્શન.
14 વર્ષ થઇ ગયા…- વિરાટ કોહલી
વિરાટે ઇન્સ્ટાગ્રામ પર ટેસ્ટ જર્સીમાં પોતાનો એક ફોટો શેર કર્યો અને લખ્યું, ‘ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર બેગી બ્લુ જર્સી પહેર્યાને 14 વર્ષ થઈ ગયા છે. સાચું કહું તો, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને કેવી સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને ઘડ્યો અને મને એવા પાઠ શીખવ્યા જે હું મારા બાકીના જીવન માટે મારી સાથે રાખીશ.જે
269 નંબરનું શું છે ખાસ કનેક્શન ?
વિરાટ કોહલીએ આગળ લખ્યું કે હું આ ફોર્મેટથી પોતાને દૂર કરી રહ્યો છું જે મારા માટે સરળ નથી. જોકે આ સમય યોગ્ય લાગે છે. મેં આ ફોર્મેટમાં મારી પાસે જે કંઈ હતું તે બધું આપ્યું અને બદલામાં, મને આ ફોર્મેટમાંથી ઘણું બધું મળ્યું, જેની મને કદાચ અપેક્ષા પણ નહોતી. હું આ ફોર્મેટને અલવિદા કહી રહ્યો છું, પણ મારું હૃદય કૃતજ્ઞતાથી ભરેલું છે. આ સાથે આ માર્ગ પર મારી સાથે ચાલનારા બધા લોકોનો પણ આભાર. હું હંમેશા મારા ટેસ્ટ કારકિર્દીને સ્મિત સાથે જોઈશ. #269 signing off. અહીં દર્શાવેલો 269 નંબર એ વિરાટ કોહલીનો ટેસ્ટ કેપ નંબર છે.
ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
વિરાટ કોહલીએ 2011માં કિંગ્સ્ટન ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ભારત માટે ચોથા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, જ્યાં તેણે 123 મેચોમાં 9230 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમની સરેરાશ 46.85 હતી. આ ફોર્મેટમાં, તેના બેટે 30 સદી અને 31 અડધી સદી ફટકારી હતી.


