ભારતમાં રમાનાર ઇન્ડિયન પ્રીમીયર લીગનો 17મેના રોજથી પુનઃઆરંભ થઈ ગયો છે.17 મેના રોજ બેંગલુરુમાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે વરસાદ વિઘ્ન બન્યો હતો.વરસાદ વિલન બનતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ બંને ટીમોને 1-1 પોઈન્ટ આપી મેચ રદ કરવામાં આવી હતી. જેના બાદ 18 મેના રોજ IPL 2025 ની 60મી મેચ ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઈટન્સ એક પણ વિકેટ ગુમાવ્યા વિના 200 રનના લક્ષ્યાંકના સરળતાથી પીછો કરી દિલ્હી કેપિટલ્સ સામેની મેચ 10 વિકેટથી જીતી લીધી હતી.ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર વિજય મેળવતા GT ટીમ IPL 2025 પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે.
પ્લેઓફમાં ચોથા સ્થાન માટે જંગ
ગુજરાત ટાઈટન્સ IPL 2025માં સારું પ્રદર્શન કરતાં પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) હવે સમાપ્તિ તરફ આગળ વધી રહી છે. IPL 2025માં પ્લેઓફમાં ચાર ટીમોમાંથી ત્રણ ટીમોનું સ્થાન નિશ્ચિત થઈ ગયું છે. ગુજરાત ટાઈટન્સ ઉપરાંત વિરાટ કોહલીની RCB અને પંજાબની ટીમોની પ્લેઓફ ટિકિટ પણ કન્ફર્મ થઈ ગઈ છે. હવે IPL 2025ના પ્લેઓફમાં ચોથા સ્થાન માટે ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. IPLમાં અનેક વખત વિજેતા બનનાર મુંબઈ ઇન્ડિયન્સનું આ વખતે થોડું નબળું પ્રદર્શન રહ્યું. પરંતુ મુંબઈ ઇન્ડિયન્સ માટે હજુ પણ તક છૂટી નથી તેમ પ્લેઓફમાં ચોથા સ્થાનમાં દાવેદારી નોંધાવે તો ફરી IPL ખિતાબ મેળવી શકે છે. IPL 2025માં પ્લેઓફમાં નંબર 4 માટે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે કટ્ટરની સ્પર્ધા છે.
ગુજરાત ટાઈટન્સ હોટ ફેવરિટ
IPL 2025માં ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર પંહોચી જતા ખિતાબ જીતવા માટે હોટ ફેવરીટ ટીમ બની છે. ગુજરાત ટાઈટન્સના 18 પોઈન્ટ છે જ્યારે તેને બરાબરની ટક્કર આપતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બીજા ક્રમ પર અને પંજાબ પણ ત્રીજા ક્રમ પર છે. હવે ચોથા સ્થાન માટે દિલ્હી અને મુંબઈ વચ્ચે લડાઈ છે. મુંબઈનો રન રેટ સારો છે છતાં બાકીની બે મેચ બંને ટીમો માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. જો મુંબઈ તેની બંને મેચ જીતે અને દિલ્હી પણ તેની બંને મેચ જીતે, તો મુંબઈ વધુ સારા રન રેટના આધારે ક્વોલિફાય થશે. તે જ સમયે, જો દિલ્હી અને મુંબઈ એક-એક મેચ હારી જાય, તો પણ મુંબઈ ક્વોલિફાય થશે. આવી સ્થિતિમાં, સૌ પ્રથમ બંને ટીમોએ પોતાની બાકીની મેચ જીતવી પડશે અને દિલ્હીએ મોટા માર્જિનથી મેચ જીતવી પડશે.
સોમવારે 19 મેના રોજ લખનૌ સુપરજાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમો એકાના સ્ટેડિયમ ખાતે એકબીજા સામે ટકરાશે. આ મેચમાં, લખનૌ પ્લેઓફની પોતાની તકો જીવંત રાખવાનો પ્રયાસ કરશે જ્યારે હૈદરાબાદ, જે પહેલાથી જ પ્લેઓફની દોડમાંથી બહાર છે, તે કેટલીક શાનદાર જીત સાથે લીગનો અંત કરવાનો પ્રયાસ કરશે.


