IPL 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની રોમાંચક મેચ દરમિયાન, જ્યારે સનરાઈઝર્સના ઓપનર અભિષેક શર્માએ પોતાની ઈનિંગના અંત પછી પોતાનો ગુસ્સો ગુમાવ્યો ત્યારે મેદાન પર અરાજકતા મચી ગઈ.
આ ઘટના ત્યારે બની જ્યારે LSG સ્પિનર દિગ્વેશ રાઠીએ અભિષેકને આઉટ કર્યો, જેના પછી બંને ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે અમ્પાયરોએ વચ્ચે પડવું પડ્યું.
અભિષેક શર્માનો દિગ્વેશ રાઠી સાથે થયો ઝઘડો
આ ઘટના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચ દરમિયાન બની હતી. સનરાઈઝર્સ હૈદરાબાદની ઈનિંગ્સની 8મી ઓવરમાં, અભિષેક શર્મા, જે તે સમયે 59 રન પર શાનદાર બેટિંગ કરી રહ્યો હતો, તેને દિગ્વેશ રાઠીએ આઉટ કર્યો. તેને મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો અને શાર્દુલ ઠાકુરના હાથે કેચ આઉટ થયો. ત્યારબાદ દિગ્વેશ રાઠીએ અભિષેકની વિકેટનું સેલિબ્રેશન તેના પ્રખ્યાત ‘નોટબુક સેલિબ્રેશન’ સાથે કર્યું, જેમાં તે કાલ્પનિક નોટબુકમાં કંઈક લખવાની જેમ હાવભાવ કરે છે. આ સેલિબ્રેશન ભૂતકાળમાં વિવાદાસ્પદ રહ્યું છે કારણ કે કેટલાક ખેલાડીઓ અને ફેન્સ તેને અપમાનજનક માને છે.
પરંતુ આ સમય દરમિયાન દિગ્વેશ રાઠીએ અભિષેક શર્માને સ્ટેડિયમ છોડી જવાનો સંકેત પણ આપ્યો. જે બાદ અભિષેક શર્મા ગુસ્સે થઈ ગયો અને બંને ખેલાડીઓ ગુસ્સામાં એકબીજાની ખૂબ નજીક આવી ગયા. આ જોઈને, અમ્પાયરોએ વચ્ચે પડવું પડ્યું અને લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન રિષભ પંત પણ પોતાના બોલરને સમજાવતા જોવા મળ્યો. જે બાદ અભિષેક શર્મા ગુસ્સામાં મેદાનની બહાર જતા જોવા મળ્યો.
દિગ્વેશ રાઠીને બે વાર ફટકારવામાં આવ્યો છે દંડ
દિગ્વેશ રાઠી સીઝનની શરૂઆતથી જ તેમના ‘નોટબુક’ સેલિબ્રેશનને કારણે ચર્ચામાં છે. જેના કારણે તેને પહેલાથી જ બે વાર દંડ ફટકારવામાં આવ્યો છે. આ પછી BCCI એ ખેલાડીઓને તેના સેલિબ્રેશનમાં નમ્રતા દાખવવાની સૂચના આપી છે, પરંતુ આવી ઘટનાઓ રમતની ભાવના પર સવાલો ઉભા કરે છે. હવે ફરીથી તેની સામે કાર્યવાહી થઈ શકે છે અથવા અભિષેકને દંડ પણ ભરવો પડી શકે છે.


