ઈંગ્લેન્ડ પ્રવાસ પર પહોંચતાની સાથેજ કરુણ નાયરે ઈંગ્લેન્ડની ધરતી પર પોતાની તોફાની બેટિંગથી ધૂમ મચાવી છે. ઘણા સમય પછી, તેણે ભારતીય ટીમમાં વાપસી કરીને બેવડી સદી ફટકારી અને ઇંગ્લેન્ડની ધરતી પર બોલરોને ખુબજ હંફાવ્યા.
કરુણ નાયરની તોફાની બેટિંગ
ઈંગ્લેન્ડ લાયન્સ સામે ઈન્ડિયા એ તરફથી રમી રહેલા કરુણ નાયરે તોફાની બેટિંગ કરી. 30 મેથી રમાઈ રહેલી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે તેણે ધમાકેદાર સદી ફટકારી. તે જ સમયે, બીજા દિવસની રમત શરૂ થતાં જ, પોતાની લાક્ષણિક બેટિંગ ચાલુ રાખીને કરુણ નાયરે બેવડી સદી ફટકારી. હાલ ઈંગ્લેન્ડ પ્રવાસ પર કરુણ શાનદાર ફોર્મમાં છે. IPL 2025 માં પણ તેણે ઘણી શાનદાર ઇનિંગ્સ રમીને હેડલાઇન્સ પર પોતાનું નામ ચમકાવવામાં સફળ રહ્યો હતો. હવે નાયરનું બેટ ઈંગ્લેન્ડની ધરતી પર પૂરી તાકાતથી ગુંજી રહ્યું છે. તેણે આ મેચમાં 272 બોલમાં બેવડી સદી ફટકારી.
નાયરનો ધમાકો
મેચના બીજા દિવસે, કરુણ નાયરનું પરફોર્મન્સ ખુબજ સારું રહ્યું. પસંદગીકરોના નિર્ણય પર તે ખરો સાબિત થયો છે. તેણે 272 બોલમાં 203 રનની શાનદાર ઇનિંગ્સ રમી. આ ઇનિંગ્સ દરમિયાન તેણે 26 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો છે. તેનો સ્ટ્રાઇક રેટ પણ ખુબજ સારો રહ્યો છે 128.57ના સ્ટ્રાઇક રેટથી તેને બેવડી સદી ફટકારી છે. નાયરે ભારત અને ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં આ પહેલા ધમાકો કર્યો છે. ઘણા સમય પછી તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. તે 8 વર્ષ પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે. આ પહેલા નાયરે 2016માં ઈંગ્લેન્ડ સામે ત્રેવડી સદી ફટકારી હતી.
આ 2 બેટ્સમેનોએ પણ ધમાલ મચાવી હતી
નાયર ઉપરાંત, સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલે પણ પોતાની શાનદાર બેટિંગથી ટેસ્ટ ક્રિકેટના ચાહકોને ખુશ કર્યા. સરફરાઝ ખાને 119 બોલમાં 92 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં 13 ચોગ્ગાનો સમાવેશ થાય છે. જુરેલના બેટે આ મેચમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 94 રન બનાવ્યા. જોકે બંને બેટ્સમેન સદી ચૂકી ગયા, પરંતુ બંનેનું પરફોર્મન્સ ખુબજ સારું રહ્યું. ભારતીય ટીમ હાલમાં મજબૂત સ્થિતિમાં છે.


