એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 31 મેના રોજ જ્વેલિન થ્રોના નવા ભારતીય ખેલાડી સચિન યાદવે ધમાકેદાર પ્રદર્શન કરતા ધૂમ મચાવી દીધી છે. સચિન યાદવે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.
25 વર્ષીય સચિન યાદવે 85.16 મીટર સુધી ભાલા ફેંક્યો છે. જે વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન હતું. પાકિસ્તાનના હાલના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમે 86.40 મીટરના શ્રેષ્ઠ પ્રયત્ન સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. સચિન અને અરશદ વચ્ચે 1.24 મીટરનો તફાવત હતો.
સચિન યાદવે ધૂમ મચાવી
સચિન યાદવે ભલે ગોલ્ડ મેડલ ન જીત્યો હોય, પરંતુ તેને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ઉત્તર પ્રદેશના બાગપત નજીક ખેકરા ગામના ખેડૂત પરિવારમાં જન્મેલા સચિન યાદવનું અગાઉનું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન 84.39 મીટર હતું. આ ઈવેન્ટમાં ભાગ લઈ રહેલા અન્ય એક ભારતીય ખેલાડી યશવીર સિંહે પણ લોકોને પ્રભાવિત કર્યા છે. તેને 82.57 મીટરના વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન સાથે પાંચમું સ્થાન મેળવ્યું છે.
કુજુરે કર્યું શાનદાર પ્રદર્શન
ભારતના અનિમેષ કુજુર અને વિથ્યા રામરાજે અનુક્રમે પુરુષોની 200 મીટરની ફાઈનલ અને મહિલાઓની 400 મીટર હર્ડલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. કુજુરે સ્પર્ધાના છેલ્લા દિવસે પુરુષોની 200 મીટર દોડમાં શાનદાર પ્રદર્શન કર્યું, 20.32 સેકન્ડનો નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 21 વર્ષીય ખેલાડીએ 20.40 સેકન્ડના પોતાના અગાઉના રેકોર્ડમાં સુધારો કર્યો, જે તેણે આ વર્ષની શરૂઆતમાં નેશનલ ફેડરેશન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બનાવ્યો હતો.
વિથ્યાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
જાપાનના તોવા ઉઝાવાએ 20.12 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે સાઉદી અરેબિયાના અબ્દુલઅઝીઝ અતાફી (20.31 સેકન્ડ)એ સિલ્વર મેડલ જીત્યો છે. મહિલાઓની 400 મીટર હર્ડલ્સમાં એશિયન ગેમ્સના મેડલ વિજેતા વિથ્યાએ ભારતને દિવસનો બીજો બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. તમિલનાડુની 26 વર્ષીય ખેલાડીએ 56.46 સેકન્ડના સમય સાથે પોડિયમ ફિનિશિંગ મેળવ્યું.
ચીનની મો જિયાદીએ 55.31 સેકન્ડમાં ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે બહેરીનની ઓલુવાકેમી અડેકોયા 55.32 સેકન્ડ સાથે બીજા સ્થાને રહી. આ દોડમાં ભાગ લેનારી અન્ય ભારતીય ખેલાડી અનુ રાઘવન 57.46 સેકન્ડના સમય સાથે સાતમા સ્થાને રહી. મહિલાઓની 200 મીટર દોડમાં, જ્યોતિ યારાજી 23.47 સેકન્ડના સમય સાથે પાંચમા સ્થાને રહી જ્યારે નિત્ય ગાંધે 23.90 સેકન્ડના સમય સાથે સાતમા સ્થાને રહી.


