ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન આજે 1 જૂન 2025ના રોજ પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. દિનેશ કાર્તિક હવે IPLમાં કોચ અને માર્ગદર્શકની ભૂમિકામાં જોવા મળે છે. દિનેશ કાર્તિકનો જન્મ 1 જૂન 1985ના રોજ ચેન્નાઈના એક તેલુગુ પરિવારમાં થયો હતો. તેમણે 2024માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે, તેઓ હજુ પણ ભારતની બહાર ફ્રેન્ચાઇઝી ક્રિકેટ લીગમાં રમતા જોવા મળે છે.
દિનેશ કાર્તિક 2007 T20 વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યા છે. આ સિવાય તેમણે 2010 અને 2018માં એશિયા કપ જીતનારી ભારતીય ટીમમાં પણ યોગદાન આપ્યું હતું. તેમણે ભારત માટે 26 ટેસ્ટ, 94 વનડે અને 60 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે જેમાં કુલ 3443 રન બનાવ્યા છે.
કાર્તિકે બોલિંગ કરતી વખતે એક ઓવરમાં 18 રન આપ્યા
તેમની ટેસ્ટ કારકિર્દીમાં ફક્ત એક જ સદીનો સમાવેશ થયા છે જ્યારે તેણે ટેસ્ટમાં 7 અડધી સદી ODIમાં 9 અડધી સદી અને T20Iમાં એક અડધી સદી ફટકારી છે. જોકે કાર્તિક મુખ્યત્વે વિકેટકીપર બેટ્સમેન છે પરંતુ તેની કારકિર્દીમાં તેણે એક ઓવર પણ ફેંકી હતી જેમાં તેણે 6 બોલમાં 18 રન આપ્યા હતા.
કાર્તિકે શાનદાર બેટિંગથી ભારતને અપાવી જીત
2018માં રમાયેલી નિદાહાસ ટ્રોફીની ફાઇનલ મેચમાં, દિનેશ કાર્તિકે પોતાની શાનદાર બેટિંગથી ભારતને જીત અપાવી જ નહીં, પરંતુ લાખો ક્રિકેટ ફેન્સનાં હૃદયમાં પણ ખાસ સ્થાન બનાવ્યું હતું. તે મેચમાં, ભારત બાંગ્લાદેશનો સામનો કરી રહ્યું હતું અને જીતવા માટે છેલ્લી બે ઓવરમાં 34 રનની જરૂર હતી. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં, કાર્તિકે જવાબદારી સંભાળી અને માત્ર એક ઓવરમાં 22 રન બનાવીને મેચ બદલી નાખી હતી.
તે માત્ર 7 બોલમાં 29 રન બનાવીને અણનમ રહ્યો જેમાં છેલ્લા બોલ પર તેણે ફટકારેલી છગ્ગાનો પણ સમાવેશ થાય છે જે હજુ પણ ક્રિકેટ ફેન્સની યાદોમાં તાજી છે. આ ઇનિંગે માત્ર ભારત માટે ટ્રોફી જ નહીં પરંતુ કાર્તિકને ફિનિશર તરીકે ઓળખ પણ અપાવી હતી. IPLમાં પણ તેણે ઘણી વાર આવી મજબૂત ઇનિંગ્સ રમીને પોતાની ટીમને જીત તરફ દોરી છે.
કાર્તિકને પોતાની પત્નીએ આપ્યો દગો
દિનેશ કાર્તિકના અંગત જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે તેણે ખૂબ જ મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો હતો. કાર્તિકના પહેલા લગ્ન નિકિતા સાથે થયા હતા પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. અંગત જીવનમાં ઉથલપાથલ ત્યારે શરૂ થઈ જ્યારે કાર્તિકે જાણ્યું કે તેની પત્ની નિકિતાનું તેના નજીકના મિત્ર અને ટીમ ઈન્ડિયાના ખેલાડી મુરલી વિજય સાથે અફેર છે. આ વાત સામે આવ્યા બાદ દિનેશ કાર્તિકે નિકિતા સાથે છૂટાછેડા લઈ લીધા હતા. તે સમયે નિકિતા ગર્ભવતી હતી. બાળકના જન્મ બાદ તરત જ નિકિતાએ મુરલી વિજય સાથે લગ્ન કરી લીધા હતા. આ સમય કાર્તિક માટે ભાવનાત્મક રીતે ખૂબ જ મુશ્કેલ હતો પરંતુ તેણે પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.


