ભારતમાં અત્યારે ન્યુટ્રિશિયન વીકની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવવાનો મુખ્ય ઉદેશ્ય લોકોમાં આહારની આદતોને લઈને જાગૃતિ લાવવાનો છે. ભારતીયોમાં છેલ્લા કેટલાક સમયથી ખાનપાનની આદતોમાં મોટા બદલાવ આવ્યો છે. જંકફૂડ જેવા ખરાબ ખાનપાનનો લોકોમાં ક્રેઝ વધતા સ્વાસ્થ્ય સમસ્યાનું પ્રમાણ પણ વધ્યું છે. આરોગ્ય નિષ્ણાતે જણાવ્યું કે ભારતીયોમાં કેટલાક પોષકતત્વોની ઉણપ વધુ હોવાથી તેઓ જલદી બીમારીના શિકાર થાય છે.
ભારતીયોમાં આ પોષકતત્વોની ઉણપ
આરોગ્ય નિષ્ણાતના જણાવ્યા મુજબ ભારતીયોમાં મોટાભાગે આયરન, વિટામિન D, વિટામિન B12, પ્રોટીન અને ફોલેટ જેવા પોષકતત્વોની વધુ ઉણપ છે. ભારતીયોને સ્વાદિષ્ટ ભોજનના ચટાકાનો ભારે શોખ હોય છે. ટેસ્ટી અને મસાલેદાર ખાવાના શોખમાં તેમના શરીરમાં આ જરૂરી ષોષકતત્વોની ઉણપ જોવા મળે છે. તમારા આહારમાંથી આ પોષક તત્વો ઓછા થવાથી તમે વારંવાર બીમાર પડો છો અને તમારું શરીર કેન્સર જેવા દુર્લભ રોગોનું ઘર બની જાય છે. શરીરમાં આ પોષકતત્વોની ઉણપના કારણે શરીરમાં નબળાઈ, મૂડ સ્વિંગ થવો તેમજ સુસ્તીનો અનુભવ થવો વગેરે લક્ષણો દેખાય છે. આ પોષક તત્વોની ઉણપના કારણે ફલુ, સાંધાનો દુખાવો, અસ્થમા, કેન્સર અને ડાયાબિટિસ બીમારી થાય છે. તેમજ ડિપ્રેશન અને અલ્ઝાઈમર જેવી બીમારી પણ થઈ શકે છે.
આ પોષકતત્વો શરીર માટે કેમ જરૂરી
આયરન શરીરમાં લોહી બનાવે છે અને શરીરને સક્રિય રાખે છે. જ્યારે વિટામિન B12 શરીરમાં ઉર્જા વધારે છે, ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સને પાચન કરવામાં અને નર્વસ સિસ્ટમને સ્વસ્થ રાખવામાં માટે આ વિટામિન મદદ કરે છે. પ્રોટીનને શરીરનો બિલ્ડીંગ બ્લોક કહેવામાં આવે છે. તમારા શરીરને દરરોજ તમારા વજન પ્રમાણે પ્રોટીનની જરૂર હોય છે. વિટામિન ડી શરીરને કેલ્શિયમ શોષવામાં, હાડકાંને મજબૂત રાખવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. શરીરમાં લાલ રક્તકણો, ડીએનએ અને આરએનએના ઉત્પાદન માટે ફોલેટ યોગ્ય માત્રામાં હોવું જરૂરી છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


