ભારતમાં કેન્સરની સારવાર હંમેશા દર્દી અને તેના પરિવાર પર આર્થિક બોજ રહી છે . કીમોથેરાપીની દવાઓ, વિવિધ ટેસ્ટ અને લાંબા ગાળાની સારવારને કારણે લાખો રૂપિયા ખર્ચ થાય છે. આ સિવાય GSTનો વધારાનો બોજ આ ખર્ચમાં વધુ વધારો કરતો હતો પરંતુ હવે સરકારે એક મોટું પગલું ભર્યું છે અને કેન્સરની સારવાર સંબંધિત દવાઓ અને સેવાઓ પર GST ઘટાડ્યો છે. તેનાથી દર્દીઓ અને તેમના પરિવારોને આર્થિક રાહત મળશે.
કીમોથેરાપીથી લઈને દવાઓ સુધીનો ખર્ચ કેટલો થશે?
કેન્સરની સારવારમાં કીમોથેરાપી સૌથી મોંઘી અને લાંબા સમય સુધી ચાલતી પ્રક્રિયા છે. કીમોથેરાપીની દવાઓનો ખર્ચ લગભગ 1 લાખ રૂપિયા છે. અગાઉ તેના પર GST લાદ્યા બાજ કુલ ખર્ચ 1,12,000 રૂપિયા થતો હતો પરંતુ હવે GST ઘટાડીને શૂન્ય કર્યા બાદ દર્દીઓને સીધા 12,000 રૂપિયાની બચત થશે.
કેન્સરની દવાઓ પર થશે આટલી રાહત
GST ઘટાડાથી કેન્સરની અન્ય દવાઓ પર પણ અસર પડશે. આ દવાઓની કિંમત ક્યારેક 5 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. પહેલા તેના પર GST લાગવાથી આ કિંમત વધીને 5,60,000 રૂપિયા થઈ જતી હતી પરંતુ હવે GST શૂન્ય થવાને કારણે દર્દીઓને સીધા 60,000 રૂપિયાની બચત થશે. આટલા મોટા ખર્ચ પર આ રાહત પરિવારના ખિસ્સા માટે મોટી રાહત હશે.
સારવાર અને અન્ય સેવાઓ પર બચત
કેન્સરની સંપૂર્ણ સારવારનો કુલ ખર્ચ જેમાં દવાઓ, કીમોથેરાપી અને અન્ય તબીબી સેવાઓનો સમાવેશ થાય છે તે લગભગ રૂ. 3,30,000 અને ક્યારેક તેનાથી પણ વધુ થાય છે. અગાઉ તેના પર GST લાદ્યા બાદ ખર્ચ રૂ. 3,50,000 સુધી પહોંચતો હતો પરંતુ હવે દર્દીઓને રૂ. 16,000 સુધીની સીધી બચત મળશે.
દર્દીઓને મળશે આર્થિક રાહત
GST ઘટાડવાનો આ નિર્ણય દર્દીઓ અને તેમના પરિવારો માટે આશાનું કિરણ છે. ભારત જેવા દેશમાં જ્યાં કરોડો લોકો મધ્યમ અને ગરીબ વર્ગમાંથી આવે છે ત્યાં સારવાર પર આ બચત તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેન્સર જેવા ગંભીર રોગની સારવાર હવે થોડી હદ સુધી સસ્તી થશે. કેન્સરની સારવાર ચોક્કસપણે મોંઘી છે પરંતુ સરકાર દ્વારા આ GST ઘટાડાથી દર્દીઓને મોટી રાહત મળી છે. કીમોથેરાપીથી લઈને દવાઓ સુધીના સારવારના કુલ ખર્ચમાં હજારો રૂપિયાની બચત થશે. આ પગલાથી માત્ર નાણાકીય બોજ ઓછો થશે નહીં પરંતુ વધુને વધુ દર્દીઓને સમયસર સારવાર મેળવવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.


