ભારતમાં ભગવાન શિવજીનાં ઘણાં મંદિરો આવેલાં છે. તેમાંથી કેટલાંક મંદિરોનું નિર્માણ પાંડવો દ્વારા કરાયું હોવાના ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે. આવું જ એક મંદિર મધ્ય પ્રદેશમાં આવેલું છે. જેને અડધા શિવમંદિર તરીકે ઓળખવામાં આવે છે.
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી અંદાજિત 32 કિમી.ના અંતરે રાયસેન જિલ્લામાં ભગવાન શિવજીનું મંદિર આવેલું છે. આ મંદિરને ભોજપુર શિવમંદિર તેમજ ભોજેશ્વર શિવમંદિર પણ કહેવામાં આવે છે. પૌરાણિક કથામાં જણાવ્યા પ્રમાણે આ મંદિરનું નિર્માણ પરમાર વંશના રાજા ભોજે કરાવ્યું હતું. ભારતમાં આવેલા ભગવાન શિવજીના મંદિરમાં આવેલા શિવલિંગની સરખામણીમાં આ મંદિરનું શિવલિંગ ખૂબ જ મોટું માનવામાં આવે છે. આ મંદિરમાં સ્થાપિત શિવલિંગ 18 ફૂટ ઊંચું છે, તેથી તેની ગણતરી ભારતનાં મોટાં શિવલિંગમાં થાય છે. ભારતભરના શ્રદ્ધાળુઓ ભોજેશ્વર મહાદેવના દર્શનાર્થે બારેમાસ આવતા હોય છે.
ભગવાન શિવજીના શિવલિંગની રચના
ઈતિહાસકારોના જણાવ્યા પ્રમાણે ભોજપુર અને આ શિવમંદિરનું નિર્માણ પરમાર વંશના પ્રસિદ્ધ રાજા ભોજ (ઈ.સ. 1010- ઈ.સ. 1055) આસપાસ કરાવ્યું હતું. 11મી સદીમાં નિર્માણ પામેલું આ મંદિર બેતવા નદીના કિનારે પોતાની વાસ્તુકલાથી સૌ કોઇનું ધ્યાન ખેંચનારું સાબિત થાય છે. રાજા ભોજે ભારતભરના વાસ્તુકારોને એકત્ર કરીને આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરમાં જે શિવલિંગ સ્થાપિત છે તે એકમાત્ર પથ્થરને કંડારીને બનાવવામાં આવ્યું છે. પ્રસ્તુત શિવલિંગની લંબાઇ અંદાજિત 5.5 મીટર (18 ફૂટ) અને તેનો વ્યાસ 2.3 મીટર (7.5 ફૂટ) છે.
આ મંદિરની સૌથી મોટી વિશેષતા તેના બાંધકામની અદ્ભુત ટેક્નિક છે. એક ઊંચા પ્લીન્થ (ચબૂતરા) પર બનેલું આ મંદિર વિશાળ પથ્થરોથી બનેલું છે. આ પથ્થરોને એકબીજા સાથે જોડવા માટે ચૂનાનો ઉપયોગ થયો નથી. તેના બદલે પથ્થરોને ચોક્કસ રીતે કોતરીને એકબીજામાં બંધબેસતા કરવામાં આવ્યા છે. આ મંદિરને ઉત્તર ભારતનું સોમનાથ પણ કહેવાય છે. મંદિરનું ગર્ભગૃહ પણ ખૂબ જ વિશાળ છે.
મંદિરના નિર્માણ માટે પથ્થરોને મંદિર સ્થળ સુધી લાવવા માટે એક ઢાળ (રેમ્પ) બનાવવામાં આવ્યો હતો, જેના અવશેષો આજે પણ ત્યાં જોવા મળે છે. આના પરથી કલ્પના કરી શકાય છે કે તે સમયે આ મંદિરના નિર્માણમાં કેટલી અત્યાધુનિક ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે, હજી પણ આ મંદિર સંપૂર્ણ મંદિર તરીકે ઊપસી આવતું નથી. તે હજી અધૂરું છે અને મંદિરની છતનું કામ પણ અધૂરું જણાય છે. મંદિરમાં જે કોતરણીઓ કરવામાં આવી છે, તે પણ અધૂરી જોવા મળી છે. હવે આ અધૂરું મંદિર અને અધૂરી કોતરણી કયા કારણોસર અધૂર રહી હશે તે વિશે હજી જાણી શકાયું નથી. ભોજેશ્વર મહાદેવનું મંદિર અધૂરું હોવા છતા પણ તેની ભવ્યતાથી સૌ કોઇને આકર્ષી રહ્યું છે.
ભોજપુર મંદિર અને મહાભારત
ધાર્મિક ગ્રંથોના જણાવ્યા પ્રમાણે આ મંદિરનું નિર્માણ પાંડવોએ કર્યું હતું. જ્યારે પાંડવો તેમનો અજ્ઞાતવાસ ભોગવતા હતા ત્યારે તેમણે ભોપાલ નજીક થોડો સમય વિતાવ્યો હતો. આ સમય દરમિયાન જ્યારે માતા કુંતીને ભગવાન શિવની પૂજા કરવી હતી ત્યારે તેમણે પાંડવોને મંદિર નિર્માણ કરવા જણાવ્યું હતું. આ પાંડવોમાંથી બળવાન ભીમે આ મંદિરનું નિર્માણ કર્યું હતું. ભીમે બેતવા નદી પાસે જઇને નદીમાં સ્નાન કરીને તેણે માતા કુંતી માટે કલાત્મક ભગવાન શિવજીના મંદિરનું નિર્માણ કર્યું હતું. ત્યારબાદ કાળક્રમે મંદિરમાં થોડા ઘણા સુધારા રાજા ભોજે કર્યા હતા એવું માનવામાં આવે છે.
ભોજેશ્વર મહાદેવમાં ઉત્સવો અને મેળા
આ મંદિરમાં દરેક હિન્દુ તહેવારો ધામધૂમથી અને શ્રદ્ધાપૂર્વક ઊજવવામાં આવે છે, પરંતુ મહાશિવરાત્રી અને મકરસંક્રાતિ પર્વ પર અહીં મોટા મેળાનું આયોજન થાય છે. જેમાં આસપાસનાં રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઊમટી પડે છે. ખાસ કરીને મહાશિવરાત્રિ પર અહીં ત્રણ દિવસીય ભોજપુર મહોત્સવ ઊજવવામાં આવે છે. શ્રાવણ માસમાં અહીં ભારતભરમાંથી શિવભક્તો ભગવાન શિવના આશીર્વાદ મેળવવા આવે છે. આ મંદિર પ્રકૃતિથી ખૂબ જ નજીક હોવાથી પ્રવાસીઓ દર્શનાર્થે અને પ્રવાસ અર્થે પણ અહીં આવે છે.
કેવી રીતે પહોંચશો?
જો તમે ભોજપુર મહાદેવનાં દર્શન કરવા વિમાન માર્ગે જવા માંગતા હોવ તો નજીકનું એરપોર્ટ ભોપાલનું રાજા ભોજ એરપોર્ટ છે અને તે મંદિરથી અંદાજિત 28 કિમી. દૂર છે. એરપોર્ટ ઊતર્યા બાદ તમને પ્રાઇવેટ વાહનો ભોજપુર મંદિર પહોંચાડતાં હોય છે. જો તમે ટ્રેન મારફતે અહીં આવવા માંગતા હોવ તો સૌથી નજીકનું જંક્શન ભોપાલ જંક્શન છે. ત્યાંથી પણ તમને વાહનો સરળતાથી મળી રહે છે અને જો તમે સડક માર્ગે ભોજપુર આવવા માંગતા હોવ તો તમને ભોપાલથી સરકારી બસો અને પ્રાઇવેટ વાહનો પણ સરળતાથી મળી જાય છે.


