શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધતા લોકોમાં શરદી અને ઉધરસની સામાન્ય સમસ્યા વધે છે. આ સમસ્યા દૂર કરવા તમે ઘરેલુ ઉપચાર ટ્રાય કરી શકો છો. ઠંડીના દિવસોમાં ઉકાળા પીવાનું ચલણ છે. આદું અને તુલસીનો ઉકાળો આ ઠંડીમાં જરૂર ટ્રાય કરો. આ ઉકાળો પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. સવારે ખાલી પેટે આ પીણું પીવાથી શરદી-ખાંસીની સમસ્યા ઉપરાંત પેટના દુખાવા અને સોજાની સમસ્યામાં પણ રાહત મળે છે.
શરીરની સુસ્તી ભગાડશે આદુનો ઉકાળો
સવારે આ પીણું પીવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થશે. ઠંડીના દિવસોમાં આદુનો ઉકાળો એક શ્રેષ્ઠ કુદરતી ઉપચાર છે. આ ઉકાળો બનાવવા તમારે અંદાજે 20 જેટલા તુલસીના પાન, 1 મધ્યમ કદનો આદુનો ટુકડો, 10 જેટલા મરીના દાણા, ચપટી અજમો, ચપટી હળદર અને સ્વાદ મુજબ સંચળ મીઠું લેવાનું રહેશે. આ ઉકાળાને સ્વાદિષ્ટ બનાવવા તેમાં લીંબુ અને મધ ઉમેરી શકો છો. આદુમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે પેટના દુખાવા અને સોજાને ઓછા કરવામાં મદદ કરે છે. તુલસીના પાનમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-ઓક્સિડન્ટ ગુણ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
આદુનો ઉકાળો બનાવવાની સરળ રીત
આ ઉકાળો બનાવવા તમારે પહેલા તુલસીના પાનને સારી રીતે ધોઇ લેવા જોઈએ. પછી તેને કોટન કપડાથી લૂછી લો. ત્યારબાદ આદુ સાફ કરીને સમારી લો. આદુ, મરી અને તુલસીના પાન, અને મીઠું, હળદર નાખી મિકસરમાં ક્રશ કરી એક પેસ્ટ બનાવો. પછી એક તપેલીમાં 2 કપ પાણી નાંખો. તે ગરમ થાય એટલે તેમાં સંચળ મીઠું અને તૈયાર થયેલ બેસ્ટ નાખી બે, ત્રણ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળીને ગેસ બંધ કરો. પાણી હૂંફાળું હોય ત્યારે પીવો. જયારે પીણું પીવો ત્યારે તેમાં લીંબુનો રસ અને મધ નાખો. આ પીણું હૂંફાળું ગરમ પીવાથી જ ફાયદા થશે. ઠંડીમાં વારંવાર થતી શરદી અને કફનો આ રામબાણ ઇલાજ છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


