નકલી પનીર પર ગુજરાત સરકારની સર્જિકલ સ્ટ્રાઈક
એનાલોગ પનીર-ચીઝ-બટર પર રાજ્યભરમાં સંપૂર્ણ પ્રતિબંધ
મહારાષ્ટ્ર બાદ ગુજરાતનો મોટો નિર્ણય; જનસ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર સામે કડક કાર્યવાહીનો સંકેત, હવે અસલી ડેરી ઉત્પાદનો જ મળશે બજારમાં
અગ્ર ગુજરાત, અમદાવાદ
માનવ સ્વાસ્થ્ય માટે જોખમરૂપ બની રહેલા ‘એનાલોગ’ એટલે કે નકલી પનીર, ચીઝ અને બટર સામે ગુજરાત સરકારે આખરે કડક વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ, પરિવહન અને વિતરણ પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલા સમાન નિર્ણય બાદ ગુજરાતે પણ જનસ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
છેલ્લા કેટલાક સમયથી અનેક હોટલો, રેસ્ટોરન્ટો અને ફૂડ બિઝનેસમાં દૂધમાંથી બનતા અસલી પનીરની જગ્યાએ વનસ્પતિ તેલ, સ્ટાર્ચ અને અન્ય ઘટકોમાંથી તૈયાર કરાયેલા એનાલોગ ઉત્પાદનોનો ઉપયોગ થતો હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા હતા. ગ્રાહકોને જાણ કર્યા વિના આવા ઉત્પાદનો પીરસાતા હોવાથી ગ્રાહકો છેતરાતા હતા અને આરોગ્ય પર પણ ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી હતી.
ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસ અને સેમ્પલિંગ દરમિયાન અનેક ગેરરીતિઓ સામે આવતા સરકારે હવે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. સરકારનું કહેવું છે કે ગ્રાહકોને અસલી ડેરી ઉત્પાદનોના નામે નકલી અથવા એનાલોગ ઉત્પાદનો વેચવાનું હવે કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ખાદ્ય સુરક્ષા અને ધોરણ સત્તામંડળ (FSSAI) અગાઉથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે ‘ચીઝ એનાલોગ’ અથવા ‘પનીર એનાલોગ’ને અસલી પનીર તરીકે વેચી શકાય નહીં અને ગ્રાહકોને તેની સ્પષ્ટ માહિતી આપવી ફરજિયાત છે. હવે ગુજરાત સરકારે વધુ એક ડગલું આગળ વધીને આવા ઉત્પાદનો પર જ સંપૂર્ણ પ્રતિબંધ મૂકતાં ગ્રાહકોના આરોગ્યને પ્રાથમિકતા આપી છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ એનાલોગ પનીરમાં દૂધની જગ્યાએ વનસ્પતિ તેલ અને અન્ય વિકલ્પોનો ઉપયોગ થતો હોવાથી તેમાં અસલી પનીર જેવા પોષક તત્વો મળતા નથી. કેટલાક કિસ્સાઓમાં નીચી ગુણવત્તાના કાચા માલ અથવા અયોગ્ય ઉત્પાદન પ્રક્રિયા આરોગ્ય માટે જોખમ ઊભું કરી શકે છે. તેથી બજારમાં મળતા પનીર અંગે ગ્રાહકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે.
રાજ્ય સરકારના આ નિર્ણયને ડેરી ઉદ્યોગ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. અસલી દૂધ આધારિત પનીર અને ચીઝ બનાવતા ઉત્પાદકોને હવે નકલી ઉત્પાદનોની અયોગ્ય સ્પર્ધામાંથી રાહત મળશે. બીજી તરફ ખાદ્ય સુરક્ષા વિભાગ રાજ્યભરમાં સઘન ચેકિંગ અભિયાન ચલાવી નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
એનાલોગ પનીર એટલે શું?
દૂધમાંથી નહીં પરંતુ વનસ્પતિ તેલ, સ્ટાર્ચ અને અન્ય ઘટકોમાંથી બનાવાતું ઉત્પાદન.
દેખાવ અને સ્વાદ પનીર જેવો બનાવવામાં આવે છે.
અસલી પનીર તરીકે વેચવું નિયમોનો ભંગ ગણાય છે.
સરકારના નિર્ણયની મુખ્ય બાબતો
સમગ્ર ગુજરાતમાં સંપૂર્ણ પ્રતિબંધ.
ઉત્પાદન, વેચાણ, સંગ્રહ, પરિવહન અને વિતરણ પર રોક.
નિયમ તોડનાર સામે કડક કાનૂની કાર્યવાહી.
ગ્રાહકો શું ધ્યાન રાખે?
વિશ્વસનીય બ્રાન્ડનું જ પનીર ખરીદો.
પેકિંગ અને લેબલ જરૂર તપાસો.
ખૂબ સસ્તું પનીર મળે તો સાવચેત રહો.
શંકાસ્પદ ઉત્પાદન અંગે ખાદ્ય સુરક્ષા વિભાગને જાણ કરો.
FSSAIના નિયમો શું કહે છે?
એનાલોગ ઉત્પાદનોને અસલી પનીર તરીકે વેચી શકાય નહીં.
ગ્રાહકોને સ્પષ્ટ માહિતી આપવી ફરજિયાત.
મેનૂ અને લેબલમાં સાચી વિગતો દર્શાવવી જરૂરી.
ડેરી ઉદ્યોગને મળશે ફાયદો
અસલી પનીર ઉત્પાદકોને સમાન સ્પર્ધા મળશે.
ગ્રાહકોનો વિશ્વાસ વધશે.
ભેળસેળ અને છેતરપિંડી પર અંકુશ આવશે.
ગુણવત્તાયુક્ત ડેરી ઉત્પાદનોને પ્રોત્સાહન મળશે.
રાજકોટમાં પ્રતિબંધિત એનાલોગ પનીરનો પર્દાફાશ! અધિકારીઓ પહોંચતા ફેક્ટરી બંધ કરી કર્મચારીઓ ફરાર, 30 કિલો જથ્થો ઝડપાયો
રાજકોટમાં પ્રતિબંધિત એનાલોગ પનીરના વેચાણ અને સંગ્રહનો મોટો પર્દાફાશ થયો છે. શહેરમાં આવેલી ફોર્ચ્યુન પનીરની ફેક્ટરીમાં દરોડા દરમિયાન પ્રતિબંધિત એનાલોગ પનીરનો જથ્થો મળી આવતા ખાદ્ય સુરક્ષા વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત સરકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ જાહેર કર્યા બાદ આ પ્રકારની સામે આવેલી આ પ્રથમ મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે.ખાસ કરીને જાણવા મળ્યા મુજબ નકલી પનીર બાબતે અગાઉ આજ પેઢીને સીલ મારવામાં આવ્યું હતું. છતાં ફરી વખત એનાલોગ પનીરનું કામ શરૂ કર્યું હતું.
મળતી માહિતી મુજબ અધિકારીઓની ટીમ ફેક્ટરી ખાતે તપાસ માટે પહોંચી હતી ત્યારે અંદર હાજર કર્મચારીઓએ ફેક્ટરીનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. અધિકારીઓ અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે દરમિયાન કેટલાક કર્મચારીઓ ફેક્ટરીની પાછળની બાજુએ સીડી મૂકી ત્યાંથી નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે.
તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી અંદાજે 25થી 30 કિલો જેટલો પ્રતિબંધિત એનાલોગ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. ફેક્ટરીમાં હાજર એક કર્મચારીએ પૂછપરછ દરમિયાન આ જથ્થો બહારગામથી મંગાવવામાં આવ્યો હોવાનું સ્વીકાર્યું હતું. જોકે અધિકારીઓએ આ દાવાની પણ ગંભીરતાથી તપાસ શરૂ કરી છે અને જથ્થો ક્યાંથી આવ્યો તેમજ તેનું વેચાણ ક્યાં કરવામાં આવતું હતું તે અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
ખાદ્ય સુરક્ષા વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે જપ્ત કરવામાં આવેલ સમગ્ર પ્રતિબંધિત જથ્થાનો નિયમ મુજબ નાશ કરવામાં આવશે. ઉપરાંત એનાલોગ પનીરના સંગ્રહ અને વેચાણમાં સંડોવાયેલા જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીના સંચાલક તરીકે કૃણાલભાઈનું નામ સામે આવ્યું છે. સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા દસ્તાવેજોની તપાસ, સપ્લાય ચેઇનની તપાસ તેમજ જવાબદાર વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ શહેરમાં પ્રતિબંધિત ખાદ્ય ચીજવસ્તુઓના વેચાણમાં સંકળાયેલા અન્ય એકમોમાં પણ ફફડાટ ફેલાયો છે.


