પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં ધનસાગર એની શીલવતી નામની પત્ની સાથે સુખપૂર્વક રહેતો હતો. એને ત્રણ પુત્રો ઉપર એક ચોથો પુત્ર થયો. એનું નામ એણે ધન્યકુમાર રાખેલું. આ ધન્યકુમાર મોટા ત્રણ કરતાં અલગ હતો. માતા-પિતાને પોતાના બધા દીકરાઓ સારા જ દેખાતા હોય, છતાંય બીજાથી અલગ પડતો હોય એની પ્રશંસા કરવાનું સ્વભાવિક માતા-પિતાને મન થાય.
એમના ઘરમાં કોઈ પણ આવે અથવા એ કોઈના પણ ઘેર જાય ત્યારે માતા-પિતાના મુખમાંથી આટલું તો ચોક્કસ નીકળે જ કે મારો ધન્યકુમાર તો દેવનો દીધેલો છે. એની તોલે કોઈ ન આવે. પેલા ત્રણે ભાઈઓ ધન્યકુમારની પ્રશંસા સાંભળીને અંદરથી બળવા માંડતા.
આના કારણે ઘરમાં રોજ ઝઘડા થવા લાગ્યા. ધન્યકુમાર વિચાર કરે છે આ રીતે સાથે રહેવું અને રોજ કજિયા કરવા એના કરતાં દૂર ચાલ્યા જવું શું ખોટું? એક દિવસ રાતના સમયે જ્યારે આખું નગર શાંતિની નીંદર માણી રહ્યું હતું ત્યારે ધન્યકુમાર ઘરમાંથી નીકળ્યો. પહેરેલાં કપડાં સિવાય એણે પોતાની સાથે કશું લીધું નથી અને નગરમાંથી રવાના થઇ ગયો.
ચાલતા એ ઉજ્જયિની નગરીમાં પહોંચ્યો. ધન્યકુમાર અને ચંડપ્રદ્યોત રાજાનો ભેટો થઈ ગયો. રાજાને ધન્યકુમારની બુદ્ધિ પ્રતિભાનો અચાનક પરિચય થયો. ચંડપ્રદ્યોત રાજાએ ધન્યકુમારને મંત્રી તરીકે પોતાના રાજ્યમાં નિયુક્ત કર્યો. એણે રાજ્યના કારોબારમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું.
આ બાજુ પ્રતિષ્ઠાનપુરમાં ધન્યકુમારના ત્રણે ભાઈઓ રહેતા હતા. ધન્યકુમારના ગયા પછી ઘરની રોનક ફરી ગઈ. કોઈનામાં વ્યાપાર કરવાની આવડત ન હતી. ધંધામાં બરકત આવે નહીં એટલે ઘરની મૂડી ઉપર નજર બગાડી. એ હવે ઘરવખરી વેચવા લાગ્યા. એક-એક કરીને ઘરનાં સાધનો ઓછાં થવા લાગ્યાં. એમ કરતાં એક દિવસ એવો ઊગ્યો કે એમની પાસે વેચવા માટે એક સાધન ન બચ્યું.
સાવ દરિદ્ર અવસ્થાને વરેલા ત્રણે ભાઈઓ ગામ છોડી ફરતાં ફરતાં ઉજ્જયિની નગરીમાં આવ્યા. રાજ્ય તરફથી ચાલી રહેલા કોઈ કામમાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. રાજા હોય કે રંક હોય, પણ કરેલાં કર્મો બધાને એકસરખાં ભોગવવાં જ પડે છે.
એક દિવસ ધન્યકુમાર કામના નિરીક્ષણ માટે ગયા છે. એ સમયે આ ત્રણે ભાઈઓ કંઈક વાર્તાલાપ કરતા હતા. એમના શબ્દનો અવાજ ધન્યકુમારના કાને પડ્યો. વિચાર કરતાં એને ખ્યાલ આવે છે, આ અવાજ તો મારા ભાઈઓનો જ છે. એ તો તરત જ એના ભાઈઓ પાસે ગયો. એમનાં નામ-ઠામ વગેરે પૂછ્યું. એને ખ્યાલ આવી ગયો કે આ તો મારા ભાઈઓ જ છે.
ધન્યકુમાર વિચારે છે હું વૈભવી જીવન જીવતો હોઉં અને મારા ભાઈઓ આવી કઠોર મજૂરી કરે એ કેવું લાગે? એમણે ભાઈઓને પોતાના ઘરમાં બોલાવી લીધા. નવડાવી-ધોવડાવીને સરસ વસ્ત્રો પહેરાવ્યાં. સારામાં સારાં ભોજન કરાવ્યાં. થોડા દિવસ સુધી ગાડી સારી ચાલી, પણ પછી આ લોકોના ફળદ્રુપ ભેજામાં તુક્કાઓનું ચક્કાજામ થવા લાગ્યું.
એક દિવસ એ ત્રણ ભાઈઓ બેઠેલા છે ત્યારે એક જણે વાત છેડી, આ ધન્યમાં શું છે તો એને મંત્રી બનાવ્યો હશે? એટલે બીજાએ કહ્યું હું પણ એ જ વિચાર કરું છું. એના કરતાં તો આપણામાં વધારે સમજ છે. ધન્ય કરતાં આપણે મંત્રી થઈએ તો વધારે કામ કરી શકીએ. રાજાનું વધારે સારું ભલું કરી શકાય.
વાત તો સાચી છે. હવે ત્રણે ભાઈઓ ધન્યની સાથે કોઈ ને કોઈ બાબતને લઈને ઝઘડા કરવા લાગ્યા. ધન્ય વિચાર કરે છે, આ લોકો પાછા મૂળ સ્વભાવમાં આવી ગયા છે. હવે આપણે અહીંથી પણ સ્થળાંતર કરવાનો વિચાર કરવો પડશે.
સજ્જન માણસોનું આ લક્ષણ છે એ જગતને બદલવા કરતાં જાતને બદલવી સારી, આવું એ માનતા હોય છે. એક દિવસ આવા જ વિચારો સાથે એણે ફરીથી ઘર છોડ્યું. ક્યાં જવું એ કંઈ જ નક્કી નથી. ભાગ્ય જ્યાં લઈ જાય ત્યાં જવું છે અને ભાગ્ય ઉપર પૂરો ભરોસો છે.
રસ્તામાં એને એક સાધુ મહારાજ મળ્યા. જંગલમાં એક મોટા વૃક્ષની નીચે એ પોતાની સાધના કરતા હતા. આવા મહાત્માઓ કોઈ વટેમાર્ગુ હોય એ જો આહારની વિનંતી કરે તો એની પાસેથી લઈને ચલાવે અથવા નજીકના કોઈ ગામમાં જઈને પોતાના પૂરતો આહાર લઈને શરીરને ભાડું આપી દેતા હોય.
સાધુ મહાત્માને જોઈને એ એમની પાસે બેઠો. સાધુ મહાત્માને લાગ્યું આ યોગ્ય જીવ છે એટલે એને ઉપદેશ આપવા લાગ્યા. ધન્ય પણ અહોભાવથી મહાત્માની વાત સાંભળે છે. જીવનમાં સદાચારનું મહત્ત્વ છે. મનમાં જાગતા આવેગોને છૂટો દોર આપવાથી આપણું અધઃપતન થાય છે અને વિજાતીયનું આકર્ષણ સતત માણસના મનને ભ્રમિત કરતું હોય છે. એ સમયે એણે પોતાની પત્ની સિવાય કોઈની સાથે સંબંધ ન રાખવાની પ્રતિજ્ઞા લીધી.
સાધુ મહાત્માને વંદન કરીને એ આગળ વધ્યો. રાજગૃહી નગરીમાં ગયો. ત્યાં પણ એણે પોતાના કામનો, પોતાની જાતનો પરિચય આપ્યો. એ માણસના વહેવાર-બુદ્ધિપ્રતિભા વગેરે જોઈને રાજગૃહના પ્રતિષ્ઠિત શ્રેષ્ઠી ગોભદ્રે સુભદ્રા નામની કન્યા એને પરણાવી. કુસુમપાલ નામના શેઠે પુષ્પવતી નામની કન્યા પરણાવી અને એ સમયના મગધના રાજા શ્રેણિકે પોતાની સોમશ્રી નામની કન્યા પણ ધન્યકુમારની સાથે પરણાવી.
ત્રણ-ત્રણ પત્નીઓ સાથે એ રહે છે. પોતાની રીતે વ્યવસાય કરે છે અને આનંદપૂર્વક પોતાનો સમય પસાર કરે છે. સૂર્યાસ્ત થાય પછી અવનિ પર અંધકાર ફેલાઈ જાય એમ ઘરમાંથી ધન્ય રવાના થયા, પછી ત્રણેય ભાઈઓની દશા પહેલાં જેવી જ થઈ રહી છે. ફરીથી એ દરિદ્ર થઈ ગયા. ઉજ્જયિની નગરીથી દરિદ્ર અવસ્થામાં પાછા રવાના થયા અને ફરતાં ફરતાં પાછા રાજગૃહીમાં આવ્યા. આ પણ કેવો યોગાનુયોગ હશે! ઘર છોડીને ગયો તો પણ પાછા એમનો સથવારો થઈ ગયો!
માણસ ગમે ત્યાં જાય, પણ એનાં કર્મો એની પાછળ જ જતાં હોય છે. ધન્યકુમારે પ્રેમથી ભાઈઓને પોતાની પાસે બોલાવી લીધા. સજ્જન માણસ બીજાના દુઃખે દુઃખી હોય છે. એ કોઈને દુઃખી જોઈ શકે નહીં.
થોડા દિવસ બરાબર ચાલ્યું, પણ ફરી પાછા ભાઈઓમાં વિદ્રોહ જાગ્યો. ધન્યકુમારના દિલને ચોટ લાગી ફરીને એ ઘર છોડીને રવાના થઈ ગયો. એ કૌશાંબી નગરીમાં પહોંચ્યો.
એ સમયે કૌશાંબી નગરીના રાજા શતાનિક હતા. એમના રાજ્યમાં એક રત્નોનો વેપારી આવેલો હતો. એમણે રાજાને રત્નો બતાવ્યાં. રાજાને ગમ્યાં, પણ એનું વાસ્તવિક મૂલ્ય કરવાની કોઈની ક્ષમતા નહીં. બધા અલગ અલગ મૂલ્યોનો નિર્દેશ કરતા હતા, પણ રાજાના દિલમાં કોઈની વાત બેસતી ન હતી.
ધન્યકુમારને સમાચાર મળ્યા. એ રાજ્યસભામાં પહોંચ્યો. બધાની વાતો સાંભળી. રત્નોને પોતાના હાથમાં લીધાં. એના વિશે થોડી વિચારણા કરી પોતાના ઈષ્ટદેવને યાદ કરીને મૂલ્યની વાત રજૂ કરી.
શતાનિક રાજાને એની વાત બરાબર સમજાઈ ગઈ. જાહેરમાં એનું સન્માન કરતા પાંચસો ગામ આપ્યા અને એની એક કન્યા સાથે લગ્ન કરાવ્યાં. ત્યાંથી પણ પાછા રાજાગૃહ નગર તરફ ચાલ્યા. રસ્તામાં બીજી ચાર કન્યાઓ સાથે એમનાં લગ્ન થયાં. હવે એ રાજગૃહનગરમાં રહે છે. આઠ પત્નીઓની સાથે સ્વર્ગીય સુખની અનુભૂતિ કરતા પોતાનો સમય પસાર કરી રહ્યા છે. એની પાસે અઢળક સંપત્તિ છે.
એક વાર જ્ઞાની ગુરુ ભગવંતનાં દર્શન કરવા ગયા. એમને પૂછ્યું મને આટલી બધી સંપત્તિ મળી અને મારા ભાઈઓ સાચવી નથી શકતા આનું કારણ શું?
પૂર્વ ભવમાં મુનિઓને સુપાત્રદાન આપેલું એના કારણે તમને આટલી બધી સંપત્તિ મળી. તમારા ભાઈઓએ દાન આપ્યા પછી અફસોસ કરેલો એટલા માટે મળેલી સંપત્તિ એમની પાસેથી જતી રહેલી.
એક વાર એ સ્નાન કરવા બેઠા છે. એમની આઠે પત્નીઓ પતિને સ્નાન કરાવે છે. એ સમયે સુભદ્રાની આંખમાંથી આંસુ પડે છે. ધન્યકુમારને પોતાના શરીર ઉપર પડેલાં આંસુનો અનુભવ થયો. તરત જ ઉપર નજર કરી તો સુભદ્રાની આંખમાં આંસુ જોયાં.
સુભદ્રા માટે ધન્યકુમારને વિશેષ લાગણી હતી. એણે સુભદ્રાની સામે જોઈને પૂછ્યું, તારી આંખમાં આંસુ? એટલે સુભદ્રા તો ચોધાર આંસુએ રડવા જ લાગી. ધન્યકુમારે એને ફરીથી પૂછ્યું. તારી કોઈએ અવજ્ઞા કરી છે? કારણ કે બીજો તો કોઈ દુઃખનો પ્રસંગ સંભવી શકે એમ છે જ નહીં. ત્યારે સુભદ્રા કહે છે, આપની લાગણીના કારણે કોઈ મારી અવજ્ઞા કરી શકે એમ નથી, પણ આજે મને સમાચાર મળ્યા કે મારો ભાઈ શાલીભદ્ર રોજ એક-એક પત્નીને છોડી રહ્યો છે અને દીક્ષા લેવાનો છે.
આટલું સાંભળીને ધન્યકુમાર ખડખડાટ હસ્યો. આવા કાયર માણસો દીક્ષા ન લઈ શકે!
તો તમે શૂરવીર હોવ તો લઈ બતાવો – સુભદ્રા બોલી. એ જ સમયે સ્નાનના જ કપડાં સાથે એ રવાના થયો. શાલીભદ્રને બૂમ પાડીને બોલાવીને લઈ ગયો અને ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી. કોઈની વાત સાંભળીને ચોટ લાગે તો આવાં સારાં કામ કરવા માટે એ ચોટ પણ સારી ગણાય.


