વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતા યુવકની હત્યા કરાઇ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુવકની હત્યા તેની જ પત્ની અને પત્નીના પ્રેમીએ સાથે મળીને કરી છે.
પતિના મોત પછી પણ તેની પત્નીની વર્તણૂક યોગ્ય લાગતી ન હતી
વડોદરાના તાંદલજામાં રહેતા ઇર્શાદ નામના યુવકનું થોડા દિવસ પહેલા મોત થયું હતું. ત્યારબાદ મૃતકના પરિવારને શંકા ગઇ હતી કારણ કે પતિના મોત પછી પણ તેની પત્નીની વર્તણૂક યોગ્ય લાગતી ન હતી જેથી પત્નીના માતા પિતાને બોલાવીને પૂછપરછ કરી હતી અને ત્યારબાદ પોલીસને જાણ કરાઇ હતી.
દફન કરાયેલા યુવકનો મૃતદેહ ફરી બહાર કઢાવ્યો
પોલીસે કુદરતી મોતની નથી એવી આશંકા સાથે દફન કરાયેલા યુવકનો મૃતદેહ ફરી બહાર કઢાવ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પરિવારજનોની અને ખાસ કરીને જેની પર શંકાની સોય હતી તેવી મૃતકની પત્નીની ઝીણવટભરી પૂછપરછ શરુ કરી હતી.
પત્નીએ રાત્રે ઊંઘની દવા દૂધમાં ભેળવી મૃતકને બેભાન કરી તેના પુરુષ મિત્ર એ ગળું દબાવી હત્યા કરી
દરમિયાન પીએમનો પ્રારંભીક અહેવાલ આજે પોલીસને મળ્યો છે જેમાં ઘટસ્ફોટ થયો ચે કે મૃતક યુવકનું મોત અકુદરતી છે જેના કારણે પોલીસે મૃતકની પત્ની ગુલબાનોની ઉંડી પૂછપરછ કરતા તેણે કૂલ કર્યું હતું કે તેણે અને તેના પ્રેમી તૌફિકે સાથે મળીને ઇર્શાદની હત્યા કરી હતી. મૃતકની પત્નીએ જ તેના પુરુષ મિત્રની મદદ લઈને ગળું દબાવી હત્યા કરી હતી. પ્રાથમિક તપાસમાં જણાયું કે પત્નીએ રાત્રે ઊંઘ ની દવા દૂધમાં ભેળવી મૃતકને બેભાન કરી તેના પુરુષ મિત્ર એ ગળું દબાવી હત્યા કરી હતી. મહિલાના પુરુષ મિત્ર તૌફીક અને તેના મિત્રની ધરપકડ કરવાની હજી બાકી છે.
પત્ની કહી રહી છે કે પ્રેમી સાથે મળીને હત્યા કરી
આ મામલે ડીસીપી ઝોન 2 મંજીતા વણજારાએ જણાવ્યું કે જે પી રોડ પોલીસમાં એવી માહિતી અપાઇ હતી કે ઇર્શાદ નામનો યુવક મોતને ભેટ્યો છે. અમે જાણવાજોગના આધારે પીએમ કરાવ્યું હતું. મૃતકને પરિવારજનો શંકા ગયેલી ઇર્શાદ 32 વર્ષનો છે અને તેને કોઇ શારિરીક તકલીફ ન હતી તો હાર્ટએટેક કઇ રીતે આવ્યો. મૃતકની વાઇફ ગુલબાનોનું વર્તન શંકાજનક હતું તેવી જાણ પરિવારે પોલીસને કરી હતી. પીએમમાં કુદરતી મોત ના હોવાનું બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે મોતના કારણોની તપાસ કરી રહ્યા છીએ અને પત્ની સાથે કોણ મળતીયા છે તેની તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે પત્ની કહી રહી છે કે પ્રેમી સાથે મળીને હત્યા કરી હતી. કઇ રીતે હત્યા કરી તેની તપાસ કરાઇ રહી છે.
આ પણ વાંચો— Dharmendra ના નિધનથી ચાહકો સ્તબ્ધ, ” અપને તો અપને હોતે હૈ….” રાજકોટમાં થયું હતું “અપને “નું શૂટીંગ


